
પોરબંદર, 19 જૂન (હિ.સ.) ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુ સાથે એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પોરબંદર દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત 20 જેટલી બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે 'જનરલ ઈડીપી – સાબુ, ફિનાઈલ તથા હેન્ડવોશ બનાવટ'ની વિનામૂલ્યે તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલા કોમ્યુનીટી હોલ ખાતે જનરલ ઈડીપી – સાબુ, ફિનાઈલ તથા હેન્ડવોશ બનાવટ'ની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ કાર્યક્રમમાં પોરબંદરના જાણીતા માસ્ટર ટ્રેનર (ગેસ્ટ ફેકલ્ટી) હિતેશ પાંજરીએ સેવાઓ આપી હતી અને બહેનોને ગુણવત્તાયુક્ત સાબુ, ફિનાઈલ અને હેન્ડવોશ બનાવવાની સરળ રીતો તેમજ તેના માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ સહભાગી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના નિયામક તેમજ એસ.બી.આઈ. આરસેટી – પોરબંદરનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તાલીમાર્થી બહેનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya