
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.)। સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે, ફૂટપાથ પર સુરક્ષિત ચાલવું મૌલિક અધિકાર છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે નગર નિગમ, નગરપાલિકા અને વિકાસ પ્રાધિકરણોની જવાબદારી છે કે તેઓ સુરક્ષિત અને સ્પષ્ટપણે ચિહ્નિત ફૂટપાથ ઉપલબ્ધ કરાવે. જો આવું કરવામાં ન આવે, તો નાગરિકો બંધારણીય અને કાનૂની ઉપાયો દ્વારા વળતર માંગી શકે છે.
કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે, તે રાહદારીઓના અધિકારોના રક્ષણ માટે અલગ કાનૂની માળખું તૈયાર કરવા પર વિચાર કરે. કોર્ટે કહ્યું કે, રસ્તાઓ પર મોટર વાહનોની અવરજવર પહેલાં રાહદારીઓના અધિકારોને મહત્વ આપવું જોઈએ. કોર્ટે મોટર વાહન દુર્ઘટના સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન, આ દિશા-નિર્દેશો આપ્યા. આ કેસમાં એક પિતાએ પોતાના પાંચ વર્ષના પુત્રને ગુમાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વળતરની રકમ વધારીને 11,44,628 રૂપિયા કરવાનો આદેશ આપ્યો.
કોર્ટે કહ્યું કે, નિર્ધારિત ફૂટપાથ પર ચાલવાના મૌલિક અધિકારને સુધારવા અને લાગુ કરવા માટે એક નિયમનકારી સંસ્થાની રચનાની જરૂર છે. કોર્ટે રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો કે તે આ નિર્ણયની નકલ કેન્દ્ર સરકાર, આવાસ અને શહેરી બાબતો, ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયોને મોકલે, જેથી જરૂરી કાનૂની માળખું શરૂ કરવાની જરૂરિયાત પર વિચાર કરી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ