
પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થતાં ગંદુ પાણી રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ઉભરાઈ રહ્યું છે. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ ફેલાઈ છે.
વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ખાન સરોવર પાસેની મુખ્ય રાઈઝિંગ પાઈપલાઈનમાં છેલ્લા એક વર્ષથી ખામી હોવાથી અનેક પંપિંગ સ્ટેશનની લાઈનો બંધ થઈ ગઈ છે. તેના કારણે વોર્ડ 4, 5, 6 અને 11 સૌથી વધુ પ્રભાવિત બન્યા છે.
સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોએ નગરપાલિકા કચેરીએ ઘંટ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે એક મહિનામાં ઉકેલ ન આવે તો વધુ આંદોલનની ચેતવણી આપી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન પાસે ગટર ધસી જવાથી અને કુંડી તૂટી જવાથી સમસ્યા સર્જાઈ છે. પાલિકાએ રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધી હતી.
ચીફ ઓફિસરે રાજકીય દખલગીરીના કારણે કામગીરી અટક્યાનો આક્ષેપ કર્યો છે. હાલ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે GUDC સહિત વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કામગીરી તેજ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ