
પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર સ્થિત સુરભી ગૌશાળામાં ગૌસંવર્ધન આહવાન અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાધુ-સંતો, ગૌભક્તો અને ગૌસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 27 જુલાઈ, 2026ના રોજ પાટણ જિલ્લા કલેક્ટરને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવો, ગૌ મંત્રાલયની સ્થાપના કરવી અને દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગણીઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ માટે ગામે-ગામ અને શહેરોમાં હસ્તાક્ષર અભિયાન ચલાવી દરેક તાલુકામાંથી લાખો લોકોની સહીઓ એકત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં બ્રહ્મચારી મુકુંદ પ્રસાદજી સહિત અનેક સંતોએ માર્ગદર્શન આપ્યું હતું. ગૌભક્તો પપ્પુભાઈ માનસી, કુલદીપસિંહ અને લાલાભાઈ આશાપુરા સહિતના આગેવાનોએ 27 જુલાઈએ સવારે 9 વાગ્યે પાટણ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. બેઠકના અંતે ગૌસેવા અને ગૌરક્ષણ માટે એકજૂથ બની કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ