


- જીસીબી દ્વારા તાકીદે સમારકામ કરી હળવા વાહનો માટે રસ્તો પુનઃ શરૂ કરાયો
- આગામી સમયમાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી ભીતિ
છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) : પાવીજેતપુર પંથકમાં ગત મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સિહોદ પાસે બનાવવામાં આવેલું ડાયવર્ઝન આજુબાજુથી ધોવાઈ જવાના કારણે તેમજ કેટલીક જગ્યાએથી બેસી જવાના કારણે મોટા વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ જીસીબી મશીન લગાવીને ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું તાકીદે સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મોટરકાર જેવા હળવા વાહનો માટે રસ્તો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. જો કે, સ્થાનિક નિષ્ણાતોના મતે જો હવે પછી ફરીથી ભારે વરસાદ પડશે તો આ ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ જશે.
જો આગામી દિવસોમાં આ ડાયવર્ઝન ફરી તૂટશે, તો છોટાઉદેપુર જિલ્લા સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહનચાલકોએ વનકુટીર, રંગલી ચોકડી અને મોડાસર થઈને બોડેલી તરફ જવું પડશે, જેના કારણે અંતરમાં મોટો વધારો થઈ જશે. ચિંતાની વાત એ છે કે આ વૈકલ્પિક રસ્તો પણ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી. જો ડાયવર્ઝન બંધ થતાં મોટા વાહનો આ બિસ્માર રસ્તા પરથી પસાર થશે, તો ત્યાં પણ ભારે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેશે. આ સ્થિતિમાં લોકોને નાછૂટકે ડુંગરવાટ-સિહોદ થઈને આશરે ૩૦ થી ૩૫ કિલોમીટર જેટલો લાંબો ફેરો કરવો પડી શકે છે, જેના કારણે જનતાનો સમય અને ઇંધણ બંનેનો વેડફાટ થશે. સ્થાનિકો દ્વારા આ ડાયવર્ઝનનું મજબૂત અને કાયમી સોલ્યુશન લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ