મેન્યુઅલ નેઉર 2026 ફિફા વર્લ્ડ કપ પછી જર્મની છોડી દેશે, અને વર્લ્ડ કપને પોતાની છેલ્લી ટુર્નામેન્ટ ગણાવશે
વિન્સ્ટન-સેલમ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) જર્મનીના અનુભવી ગોલકીપર મેન્યુઅલ નેઉરે ગુરુવારે જાહેરાત કરી કે, તેઓ ફીફા વર્લ્ડ કપ 2026 બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લેશે. 40 વર્ષીય નોયરે સ્પષ્ટ કર્યું કે, આ તેમના કારકિર્દીનું છેલ્લુ
જર્મનીના અનુભવી ગોલકીપર મેન્યુઅલ નેઉર


વિન્સ્ટન-સેલમ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) જર્મનીના અનુભવી ગોલકીપર મેન્યુઅલ નેઉરે ગુરુવારે જાહેરાત કરી કે, તેઓ ફીફા વર્લ્ડ કપ 2026 બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લેશે. 40 વર્ષીય નોયરે સ્પષ્ટ કર્યું કે, આ તેમના કારકિર્દીનું છેલ્લું આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હશે.

વર્ષ 2014માં જર્મનીને વર્લ્ડ કપ જીતાડનાર નેઉર, સતત પાંચમા વર્લ્ડ કપમાં જર્મનીના મુખ્ય ગોલકીપર તરીકે રમી રહ્યા છે. તેમણે યુરો 2024માં જર્મનીની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ રાષ્ટ્રીય ટીમમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ ક્લબ સ્તરે શાનદાર પ્રદર્શન બાદ તેમને વર્લ્ડ કપ માટે ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

નેઉરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મેં 2024માં યોગ્ય કારણોસર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ છોડ્યું હતું. આગામી બે વર્ષ સુધી સતત રાષ્ટ્રીય ટીમ માટે રમવું મારા માટે શારીરિક રીતે મુશ્કેલ બન્યું હોત. હવે નક્કી થઈ ગયું છે કે આ મારું છેલ્લું ટૂર્નામેન્ટ છે. હું બે વર્ષ પછી યોજાનારી આગામી યુરો ચેમ્પિયનશિપમાં નહીં રમું.”

તેમણે કહ્યું કે, તાજેતરના દિવસોમાં તેમણે સ્વીકારી લીધું છે કે જર્મની માટે આ તેમની અંતિમ મેચો હશે, પરંતુ હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન વિદાય પર નહીં, પરંતુ ટીમના પ્રદર્શન પર કેન્દ્રિત છે.

વર્લ્ડ કપ પહેલાં ગોલકીપર ઓલિવર બાઉમનને જર્મનીની પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા હતા, પરંતુ નેઉરની વાપસી બાદ તેમને શરૂઆતનું સ્થાન મળ્યું. તેમણે બે વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમ માટે પ્રથમ મેચ રમતાં કુરાકાઓ સામે 7-1ની ભવ્ય જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નેઉરે જણાવ્યું કે, તેમની અને બાઉમન વચ્ચે ખૂબ સારી સમજણ છે અને બંને ટીમના હિત માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જર્મની હવે પોતાના આગામી ગ્રુપ મુકાબલામાં આઇવરી કોસ્ટ સામે ટક્કર લેશે. આ મેચમાં જીત જર્મનીને નોકઆઉટ તબક્કામાં પહોંચાડી શકે છે. જર્મન ટીમ છેલ્લા બે વર્લ્ડ કપ (2018 અને 2022)માં ગ્રુપ તબક્કામાંથી જ બહાર થઈ ગઈ હતી.

નેઉરે કહ્યું, “અમે અગાઉની નિષ્ફળતાઓ વિશે વિચારતા નથી. અમારું લક્ષ્ય આગામી મેચ જીતવાનું અને વહેલી તકે નોકઆઉટમાં સ્થાન મેળવવાનું છે.”

તેમણે એમ પણ કહ્યું કે, આ ઉંમરે વધુ એક વર્લ્ડ કપ રમવાની તક તેમના માટે કોઈ ભેટથી ઓછી નથી. સાથે જ તેમણે સ્વીકાર્યું કે જો તેમને વર્લ્ડ કપ જીતવાની શક્યતા દેખાતી ન હોત, તો તેઓ અહીં હાજર જ ન હોત.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande