
સુરત, 19 જૂન (હિ.સ.) : સુરત પોલીસની સતર્કતા અને સંવેદનશીલ કામગીરીના કારણે એક મહિલાનો જીવ બચી ગયો એટલું જ નહીં, પરંતુ તૂટવાની કગાર પર પહોંચેલું તેનું લગ્નજીવન પણ ફરીથી સુખદ માર્ગે પરત ફર્યું છે.
અમરોલી પોલીસને એક મહિના અગાઉ માહિતી મળી હતી કે આશરે 30 વર્ષની એક મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે. માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક સક્રિય બની હતી. મહિલા ઘરે ન મળતા પોલીસે તાપી નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી, જ્યાં મહિલા ભારે માનસિક તણાવમાં બેઠેલી મળી આવી હતી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન મહિલાએ પતિ દ્વારા થતી મારપીટ અને ઘરેલુ કલેશ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે તેના પતિની પણ પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન સમગ્ર મામલો એક ગંભીર સાયબર બ્લેકમેઇલિંગનો હોવાનું સામે આવ્યું.
ઝોન-5ના ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, મહિલાની ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આરોપીએ મહિલાનો અશ્લીલ વીડિયો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે વીડિયો મહિલાના પતિને પણ મોકલી આપ્યો હતો, જેના કારણે પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઊભી થઈ અને સંબંધોમાં તિરાડ પડી હતી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી અર્જુન ઉર્ફે મોન્ટુ ઉપાધ્યાયને છત્તીસગઢમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી. તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દરમિયાન પોલીસે મહિલાના પતિનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. સમગ્ર હકીકત સમજાવ્યા બાદ પતિને પત્ની નિર્દોષ હોવાનું સમજાયું અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું. સુરત પોલીસના આ પ્રયાસોથી એક ગુનેગાર કાયદાની ઝપેટમાં આવ્યો, મહિલાનો જીવ બચ્યો અને તૂટતું લગ્નજીવન પણ ફરીથી જોડાઈ ગયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે