


પોરબંદર, 19 જૂન (હિ.સ.)પોરબંદર શહેરને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે રામગઢ ગામ નજીક અંદાજે રૂ. 50 થી 55 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલો આધુનિક ફિલ્ટર પ્લાન્ટ આજે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યો હોવાનું જોવા મળી રહ્યું છે. વર્ષ 2020 આસપાસ કાર્યરત કરાયેલા આ પ્લાન્ટનો ઉપયોગ શરૂઆતમાં છાયા વિસ્તારને પાણી પહોંચાડવા માટે કરવામાં આવતો હતો, પરંતુ માત્ર બે વર્ષ બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
હાલ સ્થિતિ એવી છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો આ પ્લાન્ટ છેલ્લા પાંચ વર્ષથી બિનઉપયોગી હાલતમાં પડ્યો છે. પ્લાન્ટની અંદર સફાઈના અભાવે પાણીના ટાંકા અને ફિલ્ટર યુનિટોમાં સેવાળ જામી ગયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર શહેરમાં પાણી વિતરણ માટે હાલ માત્ર જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ પર જ નિર્ભર રહેવું પડે છે, જેના કારણે તેના પર સતત વધારાનો ભાર આવી રહ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ ફોદાળ ડેમથી અલગ પાઈપલાઈન દ્વારા રામગઢ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો છાયા સહિતના વિસ્તારોને પૂરતું પાણી મળી શકે છે. સાથે જ જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ પરનો ભાર ઘટી શકે અને શહેરમાં પાણી વિતરણ વધુ સુવ્યવસ્થિત બની શકે.હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું તંત્ર આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટને ફરી કાર્યરત બનાવી નાગરિકોને તેનો લાભ અપાવશે કે પછી રૂ. 55 કરોડનો આ પ્રોજેક્ટ માત્ર કાગળ પરનો વિકાસ બની રહેશે?
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya