
પોરબંદર, 19 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય બેઠક આજે મેયરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓના વિસ્તરણ, વહીવટી સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં દક્ષિણ ઝોનમાં કાર્યરત સબ રજીસ્ટ્રારની નિવૃત્તિને ધ્યાને લઈ 1 જુલાઈ, 2026 થી નવી સબ રજીસ્ટ્રારની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી જન્મ-મરણ નોંધણીની સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે ચાલુ રહેશે. નવરચિત મહાનગરપાલિકાના સ્ટાફ સેટઅપ અંતર્ગત લીગલ ઓફિસર, ICT ઓફિસર, એસ્ટેટ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે ભરતી નિયમોને મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી મહાનગરપાલિકાની કામગીરી વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને કાર્યક્ષમ બનશે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો માટે માનદ વેતન અને ભથ્થા સંબંધિત નિયમોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
શહેરની ગટર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે છાંયા વિસ્તારમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે વૈકલ્પિક જમીન ફાળવણી અને સંબંધિત કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાય, ખૂટીયા સહિતના પશુઓને પકડી તેમના યોગ્ય નિભાવ, સારવાર અને સંભાળ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે તે માટે સરકાર પાસેથી જરૂરી જમીન ફાળવવા દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલથી રખડતા ઢોરોની સમસ્યાના ઉકેલ સાથે પશુ કલ્યાણને પણ પ્રોત્સાહન મળશે.
પોરબંદર શહેરના સુવ્યવસ્થિત અને આયોજિત વિકાસ માટે પોરબંદર શહેરી વિસ્તાર સત્તા મંડળની વિકાસ યોજના (ડી.પી. પ્લાન) અંગે દરખાસ્ત મંજૂર થતાં નાગરિકોના વાંધા-સૂચનો મેળવવા જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાથી ભવિષ્યમાં બાંધકામ સંબંધિત પ્રશ્નોના સરળ અને કાયદેસર નિરાકરણનો માર્ગ મોકળો બનશે તેમજ શહેરનો વિકાસ વધુ આયોજનબદ્ધ રીતે આગળ વધી શકશે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકા શહેરમાં માર્ગો, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, સફાઈ વ્યવસ્થા, બગીચાઓના વિકાસ તથા ડિજિટલ સેવાઓના વિસ્તરણ માટે સતત કાર્યરત છે.
આગામી સમયમાં પણ નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, આયુષ્માન ભારત યોજના તથા વિકસિત ભારત જનકલ્યાણ શિબિર જેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયાસશીલ છે. અંતમાં મહાનગરપાલિકા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે, તેવો મેયરએ પોરબંદરના નાગરિકોને વિશ્વાસ આપ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ જનરલ બોર્ડની બેઠકમાં જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ ભૂગર્ભમાં થાય અને પાણીના સ્ત્રોતો વધુ શુદ્ધ તથા સમૃદ્ધ બને તે માટે પોરબંદર મહાનગરપાલિકા વિવિધ આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે. તેમણે આવનારી વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે તમામ કોર્પોરેટરશ્રીઓને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયને પ્રાથમિકતા આપીને શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા સહિત કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya