

છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) સંખેડા પંથકના ખેડૂતો માટે લાંબી રાહ જોયા બાદ આખરે ખુશીના સમાચાર આવ્યા છે. સંખેડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદ નોંધાયો છે. આ અનુકૂળ વરસાદના પગલે સમગ્ર પંથકના ખેતી કરતા ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં એકાએક સરસ ઠંડક પ્રસરી ગઈ છે.મેઘરાજાની પધરામણી થતાં જ જગતનો તાત ગણાતો ખેડૂત આજે સવારથી જ પોતાના ખેતરોમાં સક્રિય થઈ ગયો છે.
સંખેડા પંથકમાં કપાસ એ મુખ્ય રોકડિયો પાક હોવાથી, વરસાદ પડતાંની સાથે જ ખેડૂતો અને મજૂરો દ્વારા કપાસના બિયારણ (કપાસિયા) મુકવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
વહેલી સવારથી જ ખેતરોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ખેતરોની સાફ-સફાઈ અને ખેડાણની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે જેથી બિયારણ વ્યવસ્થિત રોપી શકાય. પુરુષ અને મહિલા મજૂરો હોંશે-હોંશે કપાસનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે.
વરસાદના કારણે જમીનમાં પૂરતો ભેજ હોવાથી આ વર્ષે કપાસનું સારું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના અસહ્ય પ્રકોપ બાદ પ્રકૃતિના આ આશીર્વાદથી સંખેડા પંથકનું જનજીવન અને કૃષિ ક્ષેત્ર ધમધમી ઉઠ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ