
સુરત, 19 જૂન (હિ.સ.): ઉત્રાણ અને મોટાવરાછા વિસ્તારમાં જાણીતી કંપનીઓના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી નકલી પ્રોડક્ટ્સ બનાવવાનો અને વેચાણ કરવાનો મોટો કૌભાંડ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 25.63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉમરા વેલંજા રોડ, શિવપાર્ક સોસાયટી ખાતે રહેતા અને પી. એન્ડ જી. પ્રા. લિ. કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોસાઈ (ઉ.વ. 42)ને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસે તા. 18 જૂન 2026ના રોજ ઉત્રાણ મોટાવરાછાથી ભરથાણા ગામ જતા રોડ ઉપર આવેલા મહાવીર કેમ્પસના ગોડાઉન તથા મોટાવરાછાના સુદામા ચોક સ્થિત વિનાયક આર્કેટની દુકાન નં. 213માં દરોડા પાડ્યા હતાં. જેમાં તપાસ દરમિયાન મોનિલ સંજયભાઈ ધોળીયા (રહે. સરથાણા), સાહિલ રમેશભાઈ વિરાણી (રહે. સરથાણા) અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલ (રહે. અમરોલી) દ્વારા એરિયલ વોશિંગ પાવડરના નામ અને ટ્રેડમાર્કની ડુપ્લિકેટ પ્રિન્ટિંગ કરી તેમાં સસ્તો વોશિંગ પાવડર ભરી બજારમાં ઓછી કિંમતે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 6 કિલોના 345 બોક્સ, 5 કિલોની 20 પ્લાસ્ટિક ડોલ તેમજ ૫૫૪ ખાલી પ્રિન્ટેડ બોક્સ મળી કુલ રૂ. 2.84 લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓ ઇમામી લિમિટેડૅની કેશકિંગ શેમ્પુ પ્રોડક્ટની પણ ડુપ્લિકેટ પેકિંગ તૈયાર કરી તેમાં સસ્તું શેમ્પૂ ભરી વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી આવી 2663 બોટલો સહિત 22.60 લાખનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 25.63 લાખનો મતા કબજે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે