

- વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિત આવરણના વિસ્તરણ માટે સહભાગી બનવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રેરણાદાયી સંબોધન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ એ માત્ર આપણી જવાબદારી નથી, પરંતુ આપણી નૈતિક ફરજ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં જો આપણે આપણી ધરતી માતાને બચાવવી હશે, તો પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ પડશે. તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય વપરાશ સામે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાથી જ જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકશે.
રાજ્યપાલએ પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનને બિરદાવતા ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોનું સંતાનની જેમ જતન કરવા આહવાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ અને પ્રત્યેક નાગરિક દ્વારા પર્યાવરણની જાળવણી માટે લેવાયેલું એક નાનું પગલું પણ ભવિષ્યની પેઢીઓ માટે વરદાન સાબિત થશે. વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે. ગ્રામીણ સ્તરેથી શરૂ થયેલી આ જનજાગૃતિ જ સદ્દઢ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો પાયો બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રકૃતિના જતન અને સંવર્ધન પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું છે કે, જો આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીશું તો જ આપણું જીવન અને સંસ્કૃતિ ટકાવી શકીશું. કોરોના કાળના કપરા સમયની યાદ અપાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કુદરતે આપણને સૌને મોટો પાઠ ભણાવ્યો છે કે ગમે તેટલા પૈસા કે વૈભવ હશે, પરંતુ જો ઓક્સિજન નહીં મળે તો આપણું શરીર છોડવું પડશે અને કોઈનું કંઈ ચાલશે નહીં.
મુખ્યમંત્રીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને ચેતી જવા અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. તેમણે પાણી અને પેટ્રોલ બચાવવા માટે જાગૃત થવા અપીલ કરી જળસંચયના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વધુમાં વધુ તળાવો બને અને તે પાણીથી ભરાય તે માટે આપણા સૌના સામૂહિક પ્રયાસો હોવા જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવેદનશીલ અભિગમનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ અભિયાનને વડાપ્રધાનશ્રીએ સંવેદના સાથે જોડયું છે એમ જણાવી રાજ્યના પ્રત્યેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવા અને ઉછેરવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત 'એક પેડ માં કે નામ' અભિયાનને વધુ વેગ આપતા રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ વડનું વૃક્ષ વાવ્યું હતું અને ગ્રામજનોને આ વૃક્ષને પોષણ અને ઉછેરી ઘટાદાર બનાવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે સ્થાનિક ગ્રામજનોના સહયોગથી કુલ 0.75 હેક્ટર વિસ્તારમાં લીમડો, પીપળ, વડ, બીલી, કાજુ, કદમ, સેવન, બહેડા સહિત 28 પ્રજાતિના કુલ 1600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણને પ્રોત્સાહન મળશે તેમજ આવનારી પેઢી માટે સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણના નિર્માણમાં નિમિત્ત બનશે.
નોંધનીય છે કે, 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાનો વનવિભાગે લક્ષ્યાંક રાખ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર સ્વપ્નીલ એમ સિસલે, નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારી-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ