
સુરત, 19 જૂન (હિ.સ.) : ભારત સરકારના શ્રમ અને
રોજગાર મંત્રાલય દ્વારા દેશમાં રોજગારીની તકો વધારવા અને શ્રમિકોને પ્રોત્સાહિત
કરવા માટે શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ હેઠળ નવી દિલ્હીના
વિજ્ઞાન ભવનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના પાત્રતા
ધરાવતા લાભાર્થીઓને પ્રોત્સાહક રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના હસ્તે 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર' યોજના હેઠળ 15 લાખ યુવાનોને રૂ.2400 કરોડ
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT મારફતે લાભાર્થીના ખાતામાં વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સુરતના મહારાજા અગ્રસેન
ભવન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં
કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી
સી. આર. પાટીલ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશના શ્રમિકો અને યુવાનોને આત્મનિર્ભર
બનાવવા માટે કટિબદ્ધ છે. ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ દેશના આર્થિક
અને સામાજિક માળખાને મજબૂત કરવામાં માઇલસ્ટોન સાબિત થશે. તેમણે ઉમેર્યું કે, શ્રમિકો એ
દેશના વિકાસનો પાયો છે અને તેમના કલ્યાણ માટે સરકાર આવી અનેક પ્રોત્સાહક યોજનાઓ
અમલમાં મૂકી રહી છે, જે રોજગારીના નવા દ્વાર ખોલશે.
રોજગાર, કૌશલ્ય અને આત્મનિર્ભરતા દ્વારા વિકસિત ભારતનું
સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આ યોજના મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એમ મંત્રીએ
ઉમેર્યું હતું.
વધુમાં જળશક્તિ મંત્રી એ કહ્યું હતું
કે, ભારતના
ઉદ્યોગો આજે વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત અને સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવવામાં સફળ
રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉદ્યોગકારોને ગુણવત્તા, આકર્ષક
પેકેજિંગ અને વૈશ્વિક ધોરણો જાળવવા માટે પ્રોત્સાહિત કરતા આવ્યા છે. સારી ગુણવત્તા
અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ ઉત્પાદનોના કારણે 'મેક ઇન ઇન્ડિયા'ને નવી ઓળખ મળી રહી છે.
કેન્દ્ર સરકાર રોજગાર અને
ઉદ્યોગસાહસિકતાને પણ પ્રોત્સાહન આપી રહી છે. વિવિધ યોજનાઓ દ્વારા યુવાનો, મહિલાઓ અને
નાના ઉદ્યોગકારોને સબસિડી, તાલીમ અને સરળ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ
પ્રયાસો થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે.
કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ છે કે કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી
પહોંચે, જેથી દરેક
નાગરિક આત્મનિર્ભર બની શકે અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે
એમ તેમણે જણાવ્યું હતું.
સુરતના મહારાજા અગ્રસેન ભવન ખાતે
સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર માયાબેન માવાણી સહિત હાજર સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ, સ્થાયી સમિતિ
અધ્યક્ષ રાજન પટેલ, પી.એફ. કમિશનર સંજયસિંહ ગુર્જર, આયકર વિભાગના પ્રિન્સિપલ કમિશનર યુ. બી. મિશ્રા, શ્રમ અને
રોજગાર વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે