
સુરત, 19 જૂન (હિ.સ.): ખજોદ ખાતે આવેલ ડ્રીમસીટી એસ.ડી.બીમાં આવેલ ઓરનેક્સ ડાયમંડ પ્રા.લિ નામની ડાયમંડ પેઢીના માલીકને તેના જ કર્મચારીએ 4.87 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હીરા વેપારીએ કર્મચારીને હીરા ખરીદી માટે એડવાન્સમાં એસ.એમ. એમ્પીરીયસ ઈન્ટરનેશનલ પ્રા.લી કંપનીમાં મોકલવાના હતા પરંતુ કર્મચારીએ આ પૈસા મુંબઈની અન્ય બે કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. સમગ્ર મામલો બહાર આવતા હીરા વેપારીએ કર્મચારી સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાંદેર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના વતની અને હાલ મુંબઈમાં મુસ્તફા રોડ, નાથાણી કોમ્પ્લેક્ષમાં રહેતા રીતેન્દ્ર ઓમકારસિંઘ સોલંકી (ઉ.વ.34) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ખજોદ, ડ્રીમસીટી એસ.ડી.બીમાં ઓરનેક્સ ડાયમંડ પ્રા. લિ. કંપની ધરાવે છે. રીતેન્દ્રએ ગત તા. 16 જૂન, 2026ના રોજ બપોરના સમયે કંપનીમાં કામ કરતા નિકુંજ ચેતનભાઈ ત્રિવેદીને એસ.એમ. એમ્પિરિયલ ઇન્ટરનેશનલ પ્રા. લિ. કંપનીને હીરા ખરીદી માટે એડવાન્સ રૂપે રૂ. 4.87 કરોડની ચુકવણી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ માટે લેખિત ચિઠ્ઠી પણ આપવામાં આવી હતી. નિકુંજ ત્રિવેદીએ કંપનીના બંધન બેંક ખાતાના કુલ આઠ ચેકમાં અલગ-અલગ રકમ ભરી જે કંપનીને પેમેન્ટ કરવાનો હતો તેના બદલે આ રકમ ફેક્ટરી ડેસ્ક સપ્લાય પ્રા. લિ. તથા ગ્લોબ ઇન્ડસ્ટ્રીઝ નામની મુંબઈ સ્થિત કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. નિકુંજ ત્રિવેદી સહિત ત્રણેય જણાએ તેમની કંપનીને રૂ. 4,87,00,000નું મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. બનાવ અંગે રાંદેર પોલીસે તેમની ફરિયાદને આધારે ત્રણેય સામે ગુનો દાખલ કરી બેંક ટ્રાન્ઝેક્શન, ચેકની વિગતો અને સંબંધિત કંપનીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે