ગારીયાધારમાં તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં 521 ખેડૂતોને માર્ગદર્શન અપાયું
ભાવનગર, 19 જૂન (હિ.સ.) : ગારીયાધાર તાલુકાના પટેલ સમાજની વાડી, નવાગામ રોડ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા અને ખેતી ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવાના હેતુથી
પ્રાકૃતિક શાળામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા


ભાવનગર, 19 જૂન (હિ.સ.) : ગારીયાધાર તાલુકાના પટેલ સમાજની વાડી, નવાગામ રોડ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા અને ખેતી ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવાના હેતુથી યોજાયેલી આ કાર્યશાળામાં તાલુકા તેમજ આસપાસના ગામોના કુલ ૫૨૧ ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. એન.આર. પટેલે ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોનું સ્વાગત કરી કાર્યશાળાની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ કૃષિ ક્ષેત્રના નિષ્ણાત પ્રદીપભાઈ ક્યાડાએ પ્રાકૃતિક કૃષિના લાભો, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી થતી અસરો તેમજ ખેતીને વધુ ટકાઉ અને નફાકારક બનાવવાના વિવિધ ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

પરેશભાઈ રાઠોડે જમીનના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હરેશભાઈ લૂણગારિયા અને રમેશભાઈ ગોહિલે પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવો શેર કરી ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન આત્મા, ખેતીવાડી અને બાગાયત કચેરી, પંડિત દીનદયાળ એફ.પી.ઓ., જી.એસ.એફ.સી. ડેપો, આઈ.સી.ડી.એસ., ગૌસત્વ એફ.પી.ઓ. જેસર, સંતકૃપા નેચરલ પ્રોડક્ટ સહિત કુલ ૯ માહિતીપ્રદ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર ખેડૂતોને સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ, બાગાયત વિકાસ અને પશુપાલન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યશાળાના અંતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક સાહિત્ય, કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો અને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande