
સુરત, 19 જૂન (હિ.સ.): દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે જ સુરત શહેરનાં માથે ખાડી પુરનું જોખમ ઉભું થતું હોય છે. અલબત્ત, આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીમાં સૌથી વધુ ધ્યાન ખાડીની સફાઈ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લિંબાયત - ઉધના અને વરાછા સહિતનાં વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ માટે મનપા દ્વારા પહેલી વખત ફ્લોટિંગ પોકલેન મશીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે જે સ્થળો પર આજ દિન સુધી ખાડીની સફાઈ અશક્ય હતી તેવા સ્થળો પર પણ ખાડીની સફાઈ યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી છે. આ સિવાય દાયકાઓ બાદ પહેલી વખત મનપા દ્વારા ખાડી પર આવેલ રેલવે ઓવર બ્રિજની નીચે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના માટે સુરત મનપા દ્વારા રેલવેનાં વહીવટી તંત્ર દ્વારા સંકલન સાધીને આ વર્ષો પછી આ કામગીરી શરૂ કરી છે.
સુરત શહેરમાં લિંબાયત, ઉધના અને વરાછા સહિતનાં વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે ખાડી પુર તંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થતી હોય છે. ખાસ કરીને લિંબાયતમાં પરવટ પાટીયા સહિતનાં વિસ્તારોમાં ખાડી પુરને કારણે સેંકડો પરિવારોનું જીવન દુષ્કર બની જતું હોય છે. આ સ્થિતિમાં પહેલી વખત મહાનગર પાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા ખાડી પુર પર અંકુશ મેળવવા માટે કમર કસવામાં આવી છે. તેઓ દ્વારા સુરતમાં પહેલી વખત ફ્લોટિંગ પોકલેન મશીન થકી ખાડીઓની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ખાડીઓમાં જે સ્થળે મશીન થકી સફાઈ શક્ય ન હોય તેવા સ્થળો પર ફ્લોટિંગ પોકલેન મશીન દ્વારા સેંકડો ટન કચરો ઉલેચવામાં આવ્યો છે અને વરસાદીની સિઝન દરમિયાન ખાડીમાં પાણીનાં પ્રવાહને અડચણ રૂપ કચરાનાં મોટા મોટા ઢગલાંઓ દુર કરવામાં આવ્યા છે. આ સિવાય એક દાયકાથી પણ વધારે સમય બાદ ખાડીઓ પર રેલવે ઓવર બ્રિજની નીચે પણ ફ્લોટિંગ મશીનથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી રેલવે દ્વારા આ વિસ્તારમાં રેલવે નેટવર્કની સુરક્ષાને ધ્યાને રાખીને કોઈપણ જાતની પરવાનગી આપવામાં આવતી ન હતી પરંતુ સુરત મનપા દ્વારા રેલવે તંત્ર સાથે સંકલન સાધીને લિંબાયત, વરાછા અને ઉત્રાણ વિસ્તારમાં આવેલ ખાડી પરથી પસાર થતાં રેલવે ઓવર બ્રિજની નીચે મોટા પાયે ઝુંબેશ હાથ ધરીને ખાડીની સફાઈ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં આવેલ ખાડીઓ પર બનાવવામાં આવેલ રેલવે બ્રિજની નીચેથી જ ટ્રેનનાં સિગ્નલ સહિતનાં કેબલો પસાર થતા હોય છે. આ સ્થિતિમાં પોકલેન મશીન દ્વારા સફાઈ દરમિયાન આ કેબલોને નુકસાન પહોંચે તો રેલવેનું તંત્ર ખોટકાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી. આ સ્થિતિને ધ્યાને રાખીને મનપા દ્વારા રેલવેનાં વહીવટી તંત્રને સંકલનમાં સાથે રાખીને ભારે તકેદારી સાથે ખાડીઓની સફાઈ હાથ ધરવામાં આવી છે. જેને પગલે રેલવે બ્રિજનાં પિલરોની આસપાસ વર્ષોથી જમા થયેલ કચરો હટાવવામાં આવ્યો છે અને આ સ્થિતિમાં ખાડી પુરની સ્થિતિ દરમિયાન જળપ્રવાહના અવરોધ પણ દુર થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે