
અમદાવાદ,19 જૂન (હિ.સ.) ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં દિવસભર ભારે ગરમી અને બફારા બાદ રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના એસજી હાઇવે, થલતેજ, સાયન્સ સિટી, ગોતા, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતાં થયાં હતાં. લાંબા સમયથી ગરમીનો સામનો કરતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો.
મોડીરાતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતમાં વરસાદી માહોલ છે.
ગાંધીનગરના કલોલ શહેરમાં નગરપાલિકાના કહેવાતા વિકાસ અને પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યાં હતાં. કલોલના જાણીતા પંચવટી વિસ્તાર સહિત પાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલા રોડ, રસ્તા અને ગટરના કામો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પાલિકાની નાકામીના કારણે પંચવટીના રહીશોની પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા દૂર થઈ શકી નથી.
ગતરોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 39.3°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.1°C વધુ છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26°C નોંધાયું હતું. આજે પણ શહેરમાં મહત્તમ પારો 39°Cની આસપાસ રહેવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ