
સુરત, 19 જૂન (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે સુરત સહિત અમદાવાદ - ગાંધીનગર અને ધોલેરા સહિતનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની રિવ્યુ બેઠક હાથ ધરવામાં આવી હતી. જે પૈકી સુરત ખાતે સાકાર થઈ રહેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટની તેઓ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ખજોદ ખાતે સાકાર થઈ રહેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટનાં વિકાસલક્ષી કાર્યોનો ચિતાર મેળવ્યા બાદ અન્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ હાથ ધરી હતી. આ સિવાય સુરતમાં હાલમાં મેટ્રોની પહેલા તબક્કાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી ચુકી છે અને બીજા તબક્કાની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મેટ્રોની કામગીરી અંગેની પણ સમીક્ષા હાથ ધરી હતી.
ગાંધીનગર ખાતે ગત રોજ મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજ્યનાં મહત્વપૂર્ણ અને આઈકોનિક પ્રોજેક્ટ્સ અંગેની સમીક્ષા બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ - ગાંધીનગર અને સુરત ખાતે સાકાર થઈ રહેલ મેટ્રો પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય સુરત ડ્રીમ સિટી, ધોલેરા, મુંબઈ - અમદાવાદ હાઈસ્પીડ રેલવે કોરિડોરની સાથે - સાથે અમદાવાદ રિવર ફ્રન્ટ પ્રોજક્ટસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા સુરતનાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંગેની વિગતવાર જાણકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવી હતી. હાલમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં હોટેલ અને હોસ્પિટલ સહિતનાં પ્રોજેક્ટ્સ માટેની ડેન્ટર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરતનાં મેટ્રોની કામગીરી અંગેની પણ સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હાલમાં સુરતમાં પહેલા તબક્કાની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે અને છેલ્લા કેટલાક સમયથી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે બીજા તબક્કાની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. આ સ્થિતિમાં સંભવતઃ આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે સુરતમાં પહેલા ફેઝમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે.
રિવ્યુ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યનાં સુપ્રસિદ્ધ તીર્થધામોનાં વિકાસની સાથે - સાથે ટુરિઝમ સેક્ટર પર પણ ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. હાલનાં તબક્કે અંબાજી, વડનગર, પાવાગઢનાં ડેવલપમેન્ટની સાથે - સાથે દ્વારકા કોરિડોર અંગેની પણ જાણકારી તેઓએ મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે