
બોટાદ,02 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રસ્તા, પાણી અને વીજળી જેવી સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં બોટાદના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભંડારીયા ગામથી ખીજડીયા ગામને જોડતા માર્ગ પર ડામરકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ માર્ગ લાંબા સમયથી ગ્રામજનો અને ખેડૂતો માટે મહત્વનો અવરજવરનો માર્ગ રહ્યો છે. અગાઉ રસ્તાની સપાટી અસમતળ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતી હતી. હવે ડામરકામ પૂર્ણ થતાં માર્ગ સમથળ અને મજબૂત બન્યો છે, જેના કારણે વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે.
ભંડારીયા અને ખીજડીયા ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોના ખેડૂતોને પણ આ માર્ગનો સીધો લાભ મળશે. ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનને બજાર સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકશે. સાથે જ વિદ્યાર્થીઓ, વેપારીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકોને પણ અવરજવરમાં રાહત મળશે.
સ્થાનિક ગ્રામજનોએ માર્ગના સુધારણા કાર્યને આવકારતાં જણાવ્યું હતું કે સારા રસ્તાના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે તેમજ અકસ્માતોની સંભાવનામાં પણ ઘટાડો થશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિકાસના આવા કાર્યો ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભંડારીયાથી ખીજડીયા માર્ગ પર પૂર્ણ થયેલ ડામરકામ પણ વિસ્તારના વિકાસ અને ગ્રામજનોની સુવિધામાં વધારો કરતું મહત્વપૂર્ણ કાર્ય સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA