પ્રધાનમંત્રી મોદીના સંભવિત દમણ પ્રવાસ પૂર્વે દમણવાડા ગ્રામ પંચાયતનો સ્વચ્છતા અભિયાન
દમણ,02 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 5 જૂન, 2026ના રોજ દમણ ખાતે સંભવિત પ્રવાસ યોજાનાર હોવાના અનુસંધાને દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન હલપતિના નેતૃત્વ હેઠળ ધોબી
દમણવાડા ગ્રામ પંચાયતનો સ્વચ્છતા અભિયાન


દમણ,02 જૂન (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 5 જૂન, 2026ના રોજ દમણ ખાતે સંભવિત પ્રવાસ યોજાનાર હોવાના અનુસંધાને દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન હલપતિના નેતૃત્વ હેઠળ ધોબી તળાવ તથા બોરિયા તળાવ વિસ્તારમાં વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

આ અભિયાનમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સફાઈ અભિયાન દરમિયાન તળાવોની આસપાસ ફેલાયેલો પ્લાસ્ટિક કચરો, ગંદકી તથા અન્ય નકામા કચરાનો નિકાલ કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ નાગરિકોને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

સરપંચ કલ્પનાબેન હલપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરણા મેળવી ગ્રામ પંચાયત સતત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે. પ્રધાનમંત્રીના સંભવિત આગમનને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં સફાઈ, સૌંદર્યીકરણ અને જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા કામગીરી તેજ કરવામાં આવી છે.

તેમણે ગ્રામજનોને સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી અને ગામને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ બનાવવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો. અભિયાન દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ વિસ્તારની સ્વચ્છતા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ગ્રામ પંચાયત દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી પ્રધાનમંત્રીના સંભવિત પ્રવાસ પૂર્વે સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande