
ભાવનગર, 02 જૂન (હિ.સ.)ભાવનગર મહાનગરના સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષીએ વોર્ડ નંબર 8 ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત યુવા શિબિર 2026 કાર્યક્રમમાં સહભાગી બની નવયુવાઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રીઓની ગરીમામય ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પ્રદાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડો. હેમાંગભાઈ જોષીએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજના યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમના વિચારો, સંસ્કારો તથા કાર્યશક્તિ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. તેમણે યુવાનોને શિક્ષણ, સંસ્કાર, સેવા અને સંગઠન સાથે જોડાઈને સમાજહિતના કાર્યોમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
યુવા શિબિરમાં ઉપસ્થિત સંતશ્રીઓએ પણ આધ્યાત્મિક મૂલ્યો, જીવનમાં શિસ્ત, નૈતિકતા અને માનવસેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંતશ્રીઓએ યુવાનોને આધુનિક યુગની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી અને ચર્ચા સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. હેમાંગભાઈ જોષીએ યુવાનોના પ્રશ્નોના જવાબ આપી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો, કાર્યકરો, સંતશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવા શિબિર 2026 દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવના, સંસ્કાર અને સમાજસેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA