



પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ચોમાસાની ઋતુ નજીક આવતાં ખેડૂતો દ્વારા વાવેતર પૂર્વેની તૈયારીઓ તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતી આધારિત આ વિસ્તારમાં ચોમાસાનું આગમન ખેડૂતો માટે નવા વર્ષની શરૂઆત સમાન માનવામાં આવે છે. ચોમાસુ નજીક આવતા જ ખેડૂતો પોતાના ખેતરોને વાવેતર માટે તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે.
હાલ બરડા પંથકના ગામડાઓમાં ખેતરોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે અને ખેડૂતો વિવિધ પ્રકારની ખેતીલક્ષી કામગીરીમાં જોડાયા છે. ખેડૂતો દ્વારા સૌથી પહેલાં ખેતરોની ખેડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ સાધનોની મદદથી જમીનને ઊંડી ખેડીને પાક માટે અનુકૂળ બનાવવામાં આવી રહી છે.સાથે સાથે ખેતરોમાં દેશી ખાતરો અને સજીવ ખાતરો પાથરવાની કામગીરી પણ ચાલી રહી છે જેથી જમીનની ફળદ્રુપતા વધે અને પાકને પૂરતું પોષણ મળી રહે. જમીન સમથળ કરવાની કામગીરી ઉપરાંત પાયાના ખાતરો પણ નાખવામાં આવી રહ્યા છે જેથી વરસાદ શરૂ થતાં જ વાવણીની પ્રક્રિયા સરળતાથી હાથ ધરી શકાય.બરડા પંથકમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર કરવામાં આવે છે.જેના કારણે હાલ ખેડૂતો મગફળીના બીજ તૈયાર કરવામાં પણ વ્યસ્ત બન્યા છે.
મગફળી ફોલવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને પરિવારના સભ્યો પણ આ કાર્યમાં સહભાગી બની રહ્યા છે. યોગ્ય ગુણવત્તાવાળા બીજની પસંદગી કરીને તેને વાવણી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી સારો પાક અને વધુ ઉત્પાદન મેળવી શકાય. ખેડૂતોનું માનવું છે કે ખેતી સંપૂર્ણપણે કુદરત અને વરસાદ પર આધારિત છે. તેથી તેઓ ચોમાસાના સમયસર આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
મેઘરાજા કૃપા વરસાવશે અને સારો વરસાદ થશે તો વાવણીના શ્રીગણેશ સાથે ખેડૂતોના નવા સપનાઓને પણ પાંખો મળશે. મગફળીના બીજરૂપે પોતાના પરિશ્રમ અને આશાઓને ધરતીમાં વાવનાર ખેડૂતો સારા ઉત્પાદન, યોગ્ય ભાવ અને સમૃદ્ધ વર્ષની અપેક્ષા રાખી રહ્યા છે.ચોમાસાની શરૂઆત સાથે જ બરડા પંથકના ખેતરો ફરી એકવાર હરિયાળીથી છવાઈ જાય અને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફેલાય તેવી આશા સમગ્ર ખેડૂત સમાજ વ્યક્ત કરી રહ્યો છે. હાલમાં ખેતરોમાં ચાલી રહેલી તૈયારીઓ દર્શાવે છે કે ખેડૂતો નવા કૃષિ વર્ષને આવકારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બની ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya