


- ગાંધીનગરથી સાબરકાંઠાના કેશરગંજ સુધી આવવા-જવા રાજ્યપાલની એસ.ટી. બસમાં મુસાફરી
- રાજ્યપાલની સાદગીથી સહ-મુસાફરો પણ થયા આશ્ચર્યચકિત
ગાંધીનગર,02 જૂન (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાદગી અને જનતા પ્રત્યેના અવિરત લગાવ માટે હંમેશાં પ્રેરણારૂપ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રહિતના આહવાનને ઝીલીને, રાજ્યપાલએ ફરી એકવાર સાદગીનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા માટે રાજ્યપાલએ કોઈ કાફલા કે વિશેષ વાહનનો ઉપયોગ કરવાને બદલે સામાન્ય એસ.ટી. બસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. હાલમાં રાજ્યભરમાં પ્રવર્તી રહેલી ભીષણ ગરમી અને લૂ નો પ્રકોપ છતાં, રાજ્યપાલએ સામાન્ય નાગરિકોની જેમ બસમાં પ્રવાસ કર્યો હતો.
રાજ્યપાલએ કાર્યક્રમમાં પહોંચવા માટે ગાંધીનગરથી ભરબપોરે 3 વાગે આકરા તાપમાં મુસાફરી શરૂ કરી હતી. તેવી જ રીતે, પરત ફરવા માટે પણ બપોરના સમયે અત્યંત ગરમી વચ્ચે એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી.
ગાંધીનગરથી કેશરગંજ જવા માટે અંદાજિત ત્રણ કલાક અને ત્યાંથી પરત ફરવા માટે પણ અંદાજે ત્રણ કલાક, એમ કુલ છ કલાકથી વધુ સમય તેમણે એસ.ટી. બસમાં પસાર કર્યો હતો. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં, તેમણે કરેલી આ મુસાફરી સૌ કોઈ માટે આશ્ચર્ય અને પ્રેરણાનો વિષય બની છે.
બસમાં મુસાફરી દરમિયાન રાજ્યપાલએ સહ-મુસાફરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જનતાની વચ્ચે રહીને તેમની સુખ-દુઃખની વાતો જણાવી એ જ મારા માટે સૌથી મોટો સંતોષ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આ પહેલ સાબિત કરે છે કે લોકકલ્યાણ માટે પદ કરતાં પણ સેવાની ભાવના અને સાદગી વધુ મહત્વની છે. તેમની આ મુલાકાત સાબરકાંઠાના કેશરગંજ અને આસપાસના ગ્રામજનો માટે કાયમ યાદગાર બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યપાલએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમની શરૂઆત કરી છે, જે અન્વયે દર અઠવાડિયે કોઈ એક તાલુકાના કોઈ ગામમાં બે દિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમના પ્રથમ દિવસે રાજ્યપાલએ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું, સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા, અનુસૂચિત જાતિ પરિવારના ઘરે રાત્રી ભોજન ગ્રહણ કર્યું, રાત્રી સભામાં ગ્રામજનો સાથે ગ્રામોત્થાનના વિવિધ વિષયો અંગે સંવાદ કર્યો તથા ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્યો હતો.
બીજા દિવસની વહેલી સવારે રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. ખેડૂતના ઘરે જઈ સ્વયં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતના ખેતરે જઈ હળ ચલાવ્યું હતું તથા પ્રાકૃતિક મોડલ ફાર્મનું નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ