
પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણના પિતાંબર તળાવ વિસ્તારમાં રહેતા 110થી વધુ દબાણકર્તાઓને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે દબાણ હટાવવાની નગરપાલિકાની કાર્યવાહી સામે દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે.
પાટણ નગરપાલિકાએ 15 મે, 2024ના રોજ દબાણકર્તાઓને 15 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટિસ આપી હતી. તેના વિરોધમાં રહેવાસીઓએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી અને તેમને સ્થળાંતર ન કરવા માંગ કરી હતી.
અરજદારોએ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ 1982થી અહીં રહે છે, વેરો ભરે છે અને તેમની પાસે લાઈટ બિલ સહિતના પુરાવા છે. સાથે જ વૈકલ્પિક પુનર્વસનની માંગ પણ કરવામાં આવી હતી.
નગરપાલિકાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જમીન સરકારી અને નગરપાલિકાની માલિકીની છે તેમજ ટી.પી. યોજનામાં રિઝર્વ પ્લોટ તરીકે નોંધાયેલી છે. આ વિસ્તાર વરસાદી પાણીના નિકાલ માટે મહત્વનો હોવાથી દબાણ દૂર કરવું જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
હાઈકોર્ટે નગરપાલિકાની દલીલોને માન્ય રાખીને અરજી ફગાવી દીધી છે. હવે ચોમાસા પહેલાં પોલીસ બંદોબસ્ત સાથે પિતાંબર તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થવાની શક્યતા વધી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ