
સુરત, 02 જૂન (હિ.સ.): સુરતમાં મોડી રાત્રે વરસાદ સાથે ફૂંકાયેલા તીવ્ર પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે અસર જોવા મળી હતી. રાત્રે આશરે 2 વાગ્યાથી શરૂ થયેલા પવનના ઝાપટાંને કારણે 10 જેટલા જૂના અને વિશાળ વૃક્ષો અચાનક જમીનદોસ્ત થઈ ગયા હતા. વૃક્ષો પડવાના જોરદાર અવાજોથી આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે કેટલીક જગ્યાએ પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં સતત કોલ્સ આવતા રહ્યા હતા. રાત્રિના 2 વાગ્યાથી લઈને સવારના 11 વાગ્યા સુધી કુલ 10 ફરિયાદો નોંધાઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમો જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને વરસાદ વચ્ચે જ રસ્તા પર પડેલા વૃક્ષો તથા ડાળખાં દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહન વ્યવહારને અસર ન થાય.
સલાબતપુરા, કતારગામ, અઠવા લાઈન્સ, મક્કાઈપુલ, અડાજણ, વરાછા અને મોરા ભાગળ સહિતના વ્યસ્ત વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. જોકે ઘટના મોડી રાત્રે બનતાં રસ્તાઓ પર અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. થોડા વાહનોને નુકસાન થયું હોવા છતાં મોટી દુર્ઘટના ટળી જતા સ્થાનિક તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે