
સિલવાસા,02 જૂન (હિ.સ.)
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ-2026ની ઉજવણી અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને કાર્યસ્થળોએ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત AAM કરાડની ટીમ દ્વારા રાજ પેટ્રો કંપનીમાં વિશેષ જાગૃતિ સત્ર યોજાયું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓને ઉચ્ચ રક્તચાપ (હાઇપરટેન્શન) અંગે માહિતગાર કરવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. સત્ર દરમિયાન નિષ્ણાતોએ ઉચ્ચ રક્તચાપના કારણો, લક્ષણો, સંભવિત આડઅસરો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં કર્મચારીઓને નિયમિત બ્લડ પ્રેશરની તપાસ કરાવવાની, સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાની, નિયમિત વ્યાયામ કરવાની, તણાવને નિયંત્રિત રાખવાની તેમજ સ્વસ્થ દિનચર્યા અપનાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમાકુ અને ધુમ્રપાનના દૂષ્પ્રભાવો અંગે માહિતી આપી તમાકુમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉચ્ચ રક્તચાપને ઘણીવાર સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના પ્રારંભિક લક્ષણો સ્પષ્ટપણે દેખાતા નથી. તેથી નિયમિત આરોગ્ય તપાસ અને જાગૃતિ જ તેના અસરકારક નિયંત્રણ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે.
કાર્યક્રમના અંતે કર્મચારીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવા તેમજ તમાકુમુક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગે ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ વધારવાના પ્રયાસો ચાલુ રાખવાની માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha