
જુનાગઢ, 2 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખેડૂત મિત્રોના હિતને ધ્યાનમાં રાખતા ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. હાલ ખેત બચાવ અભિયાન હાલ ચાલી રહેલું છે. જેમાં તમામ ખેડૂતોને ખેડૂત નોંધણી વિશે સમજણ આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હશે એવા ખેડૂતોને જ નીચે મુજબના લાભો મળવાપાત્ર થશે. જેમાં પીએમ કિસાન યોજનાના હપ્તા ચાલુ રાખવા અથવા તો જો બંધ થયેલ હોય તો ફરી શરૂ કરવા માટે ખેડૂત નોંધણી અવશ્ય કરાવવી. તેમજ આગામી સમયમાં ફક્ત ખેડૂત નોંધણી કરાવેલા જ ખેડૂતોને સબસીડી યુક્ત રાસાયણિક ખાતરનો લાભ મળશે. અન્ય એટલે કે ખેડૂત ખાતેદાર સિવાયના લોકો સબસીડી યુક્ત રાસાયણિક ખાતર ન ખરીદી શકે તે માટેનું આયોજન છે. તો સત્વરે આવા બાકી રહેલા ખેડૂતો પોતાની નોંધણી કરાવી લે તે ખૂબ જ આવશ્યક છે.
આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રી અન્ય યોજનાઓ જેવી કે ટેકાના ભાવે ખરીદી, પાક નુકસાની થયે મળવાપાત્ર સહાય, આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત વિવિધ યોજનાના લાભો મળવા જેવી બાબતો પણ ખેડૂત નોંધણી સાથે જોડવાનું આયોજન છે. તો હાલ ખેત બચાવો અભિયાનમાં ભાગ લઈ ખેડૂત નોંધણી બાકી રહેલ હોય તેવા તમામ ખેડૂતોને નોંધણી કરવા માટે અપીલ કરવામાં આવે છે. વધુમાં જે ખેડૂતોએ નોંધણી કરાવેલ હોય અને તેમની બીજી કોઈ જમીન ઉમેરવાની બાકી હોય તો તે પ્રક્રિયા પણ તેમના મોબાઈલ નંબરના ઓટીપી આધારિત અપડેટ મેનુમાંથી પોતાની રીતે કરી શકશે. આ બાબતે ખેડૂતોએ જે તે ગામના ગ્રામસેવકશ્રીઓ, તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાનના લાભાર્થીઓ જેની ફાર્મર રજીસ્ટ્રી બાકી રહેલ ફાર્મર રજીસ્ટ્રીની વિગતો આ મુજબ છે. જેમાં ભેસાણમાં ૨૦૦૮, જૂનાગઢ ગ્રામ્યમાં ૧૮૮૬, જૂનાગઢ શહેરમાં ૯૫, કેશોદમાં ૩૪૬૫, માળીયામાં ૩૪૩૬, માણાવદરમાં ૨૧૯૭, માંગરોળમાં ૩૭૧૮, મેંદરડામાં ૧૫૮૭, વંથલીમાં ૧૭૨૮, વિસાવદરમાં ૨૭૭૨ જેટલા ખેડૂતોની વિગતો બાકી છે. આમ અત્યાર સુધીમાં કુલ બાકી ૨૨૮૯૨ જેટલા ખેડૂત મિત્રોએ સક્રિયપણે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવાની રહે છે.
આમ જૂનાગઢ જિલ્લામાં હાલ ૨૨૮૯૨ ખેડૂતો કે જેઓ પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવે છે પરંતુ ખેડૂત નોંધણી કરાવેલ નથી તો આવા તમામ ખેડૂતોને જિલ્લામાં તાત્કાલિક તેમના વીસીઇ, તલાટી મંત્રી, ગ્રામસેવક ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવે તે ખૂબ જ આવશ્યક છે. ખેડૂત લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા માટે જમીનની વિગતો, આધારકાર્ડ તેમજ આધાર લીંક મોબાઇલ નંબરથી ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીઇ કે સીએસસી સેન્ટર ખાતે તેમજ ખેડૂત જાતે https://gjfr.agristack.gov.in વેબસાઇટ પરથી વિના મુલ્યે નોંધણી કરી શકે છે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, VCE/ વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયત કચેરી કે જીલ્લા પંચાયત ખાતે ખેતીવાડી શાખાનો કે અન્ય ખેતીવાડી સંબંધિત કોઇપણ કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ