ચૂકવણામાં વિલંબથી ભુજની આશા વર્કરોમાં રોષ, આર્થિક ભાર વચ્ચે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત
કચ્છ, 02 જૂન (હિ.સ.) ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના પાયાના સ્તરે કામગીરી કરતી આશા વર્કરો આજે પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને એકજૂથ બની હતી. મહેનતાણું, વિવિધ ભથ્થાં અને કન્ટીજન્સી ખર્ચની રકમ સમયસર ન મળતા આશા વર્કરો
ચૂકવણા બાબતે રજૂઆત કરતી આશા વર્કર બહેનો


ચૂકવણા બાબતે રજૂઆત કરતી આશા વર્કર baheno


કચ્છ, 02 જૂન (હિ.સ.) ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના પાયાના સ્તરે કામગીરી કરતી આશા વર્કરો આજે પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને એકજૂથ બની હતી. મહેનતાણું, વિવિધ ભથ્થાં અને કન્ટીજન્સી ખર્ચની રકમ સમયસર ન મળતા આશા વર્કરો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનું જણાવતાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.

આશા વર્કરોનું કહેવું છે કે તેઓ ગામડાં અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગ અને સામાન્ય નાગરિકો વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરે છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવો, આરોગ્ય સંબંધિત સર્વેક્ષણો કરવાં, ગર્ભવતી મહિલાઓ અને બાળકોની દેખરેખ રાખવી તેમજ ડોર-ટૂ-ડોર જાગૃતિ અભિયાન ચલાવવાની જવાબદારી તેઓ નિભાવે છે. જોકે આ કામગીરી દરમિયાન થતા ખર્ચની સામે મળવાપાત્ર રકમ સમયસર ચૂકવવામાં ન આવતાં તેમની સ્થિતિ મુશ્કેલ બની રહી છે.

આશા વર્કરોએ રજૂઆત દરમિયાન જણાવ્યું કે મેદાન સ્તરે કામગીરી કરતી વખતે દસ્તાવેજોની ઝેરોક્ષ, મુસાફરી, સર્વેક્ષણ અને અન્ય વહીવટી કામો માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. પરંતુ આ ખર્ચની ભરપાઈ માટે મળતી કન્ટીજન્સી રકમ અને અન્ય ભથ્થાં લાંબા સમયથી બાકી હોવાથી અનેક વર્કરોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે.

આશા વર્કર જિજ્ઞા ગોરના જણાવ્યા મુજબ વર્તમાન મોંઘવારીના સમયમાં નિયમિત અને સમયસર ચૂકવણું ન થવાને કારણે ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. મેદાની કામગીરી માટે જરૂરી ખર્ચ પણ પોતાના સ્તરે ઉઠાવવો પડે છે, જેના કારણે ઘણી વર્કરો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સરકારની આરોગ્ય સેવાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં આશા વર્કરો મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં તેમની યોગ્ય ચૂકવણીઓ સમયસર ન થવી ચિંતાજનક બાબત છે.

આશા વર્કરોએ ચેતવણીરૂપે જણાવ્યું કે જો આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેની સીધી અસર તેમના દૈનિક કામકાજ અને આરોગ્ય સેવાઓની કામગીરી પર પડી શકે છે. તેથી બાકી રહેલી તમામ ચૂકવણીઓ તાત્કાલિક કરવામાં આવે અને ભવિષ્યમાં નિયમિત રીતે મહેનતાણું તથા ભથ્થાં ચૂકવાય તેવી માંગ સાથે તેમણે જિલ્લા તંત્ર પાસે યોગ્ય હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

આ સમગ્ર મામલે હવે જિલ્લા તંત્ર શું નિર્ણય લે છે અને આશા વર્કરોની રજૂઆતને કેટલો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande