
કચ્છ, 02 જૂન (હિ.સ.) : ભુજ શહેરમાં સારસ્વત સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આજે ભવ્ય સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સારસ્વત સાગર પરિવારના ઉપક્રમે યોજાયેલા આજના આ કાર્યક્રમમાં શિક્ષણ, કલા અને વિવિધ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનારા 72 પ્રતિભાશાળી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાજના અધ્યક્ષ ભરત જય અંબેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર જ્ઞાતિજનોને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જેમાં સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને વિશેષ આકર્ષણ ત્યારે મળ્યું જ્યારે ભરતનાટ્યમ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનારી યેશા ધતુરિયાએ પોતાની કલાત્મક રજૂઆતથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિમાલી ધરાદેવ અને તેમની ટીમે મનમોહક રજૂઆત કરી હતી.
સમાજના વિકાસ અને નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી આયોજિત આ સમારંભમાં દાતાશ્રી હિમાંશુભાઈ જોશી સહિત અનેક આગેવાનો અને સમાજસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે અનેક સ્વયંસેવકો અને મહિલા મંડળની બહેનોએ પણ સતત જહેમત ઉઠાવી હતી.
ભુજ લોહાણા મહાજનના સહયોગથી નવી લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા આ સન્માન સમારંભે સમાજમાં શિક્ષણ અને પ્રતિભાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આવી સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે અને નવી પેઢીને સતત શ્રેષ્ઠતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
કાર્યક્રમના અંતે સન્માનિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સમગ્ર સમારંભ સમાજની એકતા, શિક્ષણપ્રેમ અને પ્રતિભા પ્રત્યેના સન્માનનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar