
કચ્છ, 02 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોજબરોજ બનતા અકસ્માતો મુસાફરો અને વાહનચાલકો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. આવી જ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના આજે ભુજ તાલુકાના ભુજોડી ગામ નજીક સર્જાઈ હતી, જેમાં ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસ અને સામે તરફથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ-રાજકોટ રૂટ પર દોડતી વોલ્વો એસટી બસ પોતાના નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહી હતી ત્યારે ભુજોડી નજીક ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના અવાજથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં બસના ડ્રાઇવર તેમજ ટ્રકના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને તાત્કાલિક સેવાઓની મદદથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિકને ફરીથી સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને વાહનચાલકોમાં પણ ચિંતા વ્યાપી રહી છે. માર્ગ સુરક્ષાના નિયમોનું કડક પાલન અને સાવચેતીપૂર્વકનું ડ્રાઇવિંગ જ આવા અકસ્માતોને અટકાવવા માટે જરૂરી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar