
કચ્છ, 02 જૂન (હિ.સ.) : ભુજ-માંડવી રોડ પર આવેલી ભારાસર વાંઢ સીમની સરકારી જમીન સાથે જોડાયેલા વર્ષો જૂના ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. આ કેસમાં સંડોવણીના આરોપોનો સામનો કરી રહેલા ભુજના તત્કાલિન સર્કલ ઓફિસર હરસુખભાઈ સીદાભાઈ હુંબલને સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ભુજ સેશન્સ કોર્ટે તેમની તમામ પાંચ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરતાં હવે તેમની ધરપકડનો માર્ગ લગભગ સાફ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર મામલો ભારાસર વાંઢ વિસ્તારમાં આવેલી સરકારી જમીનો સાથે સંકળાયેલો છે. વર્ષ 1965 દરમિયાન રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના પાંચ પરિવારોને ખેતી માટે કેટલીક જમીનો ફાળવી હતી. જોકે, વિવિધ કારણોસર આ પરિવારોને જમીનનો વાસ્તવિક કબજો મળ્યો નહોતો. બાદમાં થયેલી વહીવટી પ્રક્રિયાઓ દરમિયાન આ જમીનો ફરીથી સરકારના માલિકી હક હેઠળ આવી ગઈ હતી.
વર્ષો સુધી કોઈ હલચલ ન રહેલા આ પ્રકરણમાં 2008 દરમિયાન અચાનક નવી હલચલ સર્જાઈ હતી. અગાઉ જમીન ફાળવાયેલા કેટલાક વ્યક્તિઓ અથવા તેમના વારસદારો દ્વારા બે વ્યક્તિઓને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી. આ સત્તાપત્રોના આધારે સંબંધિત જમીનો તેમના નામે નોંધાવવા માટે કલેક્ટર સમક્ષ અરજીઓ કરવામાં આવી હતી.
આ અરજીની તપાસ માટે મહેસૂલ વિભાગે તત્કાલિન સર્કલ ઓફિસર હરસુખભાઈ હુંબલને સ્થળ તપાસ કરીને અહેવાલ આપવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન રજૂ કરાયેલા પંચનામા, સોગંદનામા, નકશા તથા અન્ય દસ્તાવેજોમાં અરજદારો જમીનના કબજેદાર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સર્કલ ઓફિસરે પણ અરજદારોના પક્ષમાં અનુકૂળ અભિપ્રાય આપ્યો હતો. જોકે, ઉપલબ્ધ પુરાવાઓના આધારે કલેક્ટરે આ અરજીઓને નામંજૂર કરી દીધી હતી.
કલેક્ટરના નિર્ણય સામે અરજદારોએ દિવાની અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે અદાલતે જમીન અરજદારોના નામે નોંધવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ મહેસૂલ વિભાગે જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં પણ રાહત ન મળતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે.
દરમિયાન મહેસૂલ વિભાગે કરેલી આંતરિક તપાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. તપાસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સર્કલ ઓફિસર અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓએ મળીને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેના આધારે સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામે કરાવવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર તારણોને આધારે તે સમયના મદદનીશ કલેક્ટર આનંદ પટેલે માર્ચ 2013માં ભુજ તાલુકા પોલીસ મથકે પાંચ અલગ-અલગ ફોજદારી ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોમાં સર્કલ ઓફિસર સહિત કુલ 36 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા અને છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, ખોટા પુરાવા ઉભા કરવા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હતા.
કેસ દરમિયાન કેટલાક આરોપીઓને વિવિધ અદાલતોમાંથી આગોતરા જામીન મળ્યા હતા. બીજી તરફ આરોપીઓએ સમગ્ર વિવાદને મૂળભૂત રીતે દિવાની સ્વરૂપનો ગણાવી ફરિયાદો રદ કરવા હાઈકોર્ટમાં ક્વેશિંગ અરજી પણ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હાઈકોર્ટે વર્ષ 2025ના અંતમાં આ અરજીઓ ફગાવી દીધી હતી, જેના કારણે ફોજદારી કાર્યવાહી આગળ વધવા માટેનો માર્ગ વધુ મજબૂત બન્યો હતો.
હાઈકોર્ટના આ નિર્ણય બાદ ફરીથી આગોતરા જામીન મેળવવાના પ્રયાસો શરૂ થયા હતા. જોકે, સરકારી પક્ષે દલીલ કરી હતી કે સરકારી હોદ્દા પર રહીને કથિત રીતે કરવામાં આવેલું કૃત્ય અત્યંત ગંભીર સ્વરૂપનું છે અને તેની નિષ્પક્ષ તપાસ માટે કડક વલણ જરૂરી છે. સરકારી વકીલ ડી. જે. ઠક્કરની દલીલોને ધ્યાનમાં લઈને સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ હરસુખભાઈ હુંબલની પાંચેય આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
કોર્ટના આ નિર્ણયને કેસમાં મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. હાલમાં સમગ્ર પ્રકરણની તપાસ માનકૂવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ કાનૂની કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar