
કચ્છ, 02 જૂન (હિ.સ.) :અબડાસા તાલુકાના મોથાળા ગામમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપતા આજે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા અને ગ્રામ વિકાસના ક્ષેત્રે કાર્યરત શિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામની 10 જરૂરિયાતમંદ મહિલાઓને આજે સિલાઈ મશીનો અર્પણ કરવામાં આવી, જેના કારણે અનેક પરિવારો માટે સ્વરોજગારીની નવી તકોનું દ્વાર ખુલ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળે તે સમયની મોટી જરૂરિયાત છે. સિલાઈ મશીન જેવા સાધનો માત્ર સહાયરૂપ નથી બનતા, પરંતુ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે સામાજિક સંસ્થાઓ દ્વારા આવા પ્રયાસો કરવામાં આવે ત્યારે ગામડાંની મહિલાઓને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાની તક મળે છે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શાળાના મકાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઊભું કરવાની પહેલને આવકારતા જણાવ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આવી સંસ્થાઓનું યોગદાન પ્રશંસનીય છે.
ગામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ માંગણીઓ અંગે પણ ધારાસભ્યએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે ગામના પ્રવેશદ્વાર સુધીના માર્ગ તેમજ પુલના કામને વહેલી તકે શરૂ કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત બાલાચોડ ડેમની કેનાલની સફાઈ સંબંધિત પ્રશ્નને યોગ્ય સ્તરે રજૂ કરીને ઉકેલ લાવવાના પ્રયાસો કરાશે તેવી ખાતરી પણ વ્યક્ત કરી હતી.
મોથાળાના સરપંચ વિનેક ડાભીએ જણાવ્યું હતું કે, ગામની 10 બહેનોને સ્વરોજગારી માટે સાધનરૂપ સિલાઈ મશીનો મળવાથી તેમને વિશેષ આનંદ થયો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ આવી સેવાભાવી સંસ્થાઓ વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચીને તેમની જીવનશૈલી સુધારવામાં મદદરૂપ બનશે.
શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ લક્ષ્મીશંકરભાઈ જોષીએ ગામના વિકાસને લગતા કેટલાક પ્રશ્નો ધારાસભ્ય સમક્ષ રજૂ કર્યા હતા. તેમાં આંતરિક માર્ગોની સુવિધા સુધારવા તેમજ સ્મશાનગૃહ ખાતે શેડ નિર્માણ કરવાની માંગણીઓનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમમાં ગામના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને વિવિધ સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો વધુ એક મહત્વપૂર્ણ ભાગ પર્યાવરણ જાગૃતિ સાથે જોડાયેલો હતો. પ્લાસ્ટિકના ઝબલાંના વધતા ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા ગામલોકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલને ગ્રામજનો દ્વારા આવકાર મળ્યો હતો.
મોથાળામાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ મહિલાઓના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા, ગ્રામ વિકાસને ગતિ આપવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટેનો એક સકારાત્મક પ્રયાસ બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar