નખત્રાણા ઉગેડી-વિગોડી હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અથડામણ, ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ
કચ્છ, 02 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આજે સાંજે માર્ગ અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઉગેડી અને વિગોડી ગામને જોડતા હાઈવે માર્ગ પર બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું
નખત્રાણા હાઇવે પર અકસ્માત ગ્રસ્ત વાહન


નખત્રાણા હાઇવે પર અકસ્માત ગ્રસ્ત વાહન


કચ્છ, 02 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આજે સાંજે માર્ગ અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઉગેડી અને વિગોડી ગામને જોડતા હાઈવે માર્ગ પર બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સાંજે આશરે છ વાગ્યાના અરસામાં ઉગેડી ગામથી લગભગ દોઢથી બે કિલોમીટરના અંતરે બંને કાર સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે અથડામણનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.

સ્થાનિક લોકો અને રાહદારીઓએ માનવતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરો દ્વારા ઈજાઓની ગંભીરતા ધ્યાનમાં રાખીને તમામ ઘાયલોને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી હતી. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ઘાયલ થયેલા વ્યક્તિઓની ઓળખ તેમજ તેઓ કયા વિસ્તારના રહેવાસી છે તે અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande