વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજ, 3 થી 7 જૂન સુધી ભારતની મુલાકાતે
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજ, 3 થી 7 જૂન સુધી ભારતની યાત્રા પર આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશો ઊર્જા, વેપાર, રોકાણ, ઔષધિ, સ્વાસ્થ્ય, પરિવહન તથા
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલ


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજ, 3 થી 7 જૂન સુધી ભારતની યાત્રા પર આવશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશો ઊર્જા, વેપાર, રોકાણ, ઔષધિ, સ્વાસ્થ્ય, પરિવહન તથા નવીનીકરણીય ઊર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ડેલ્સી રોડ્રિગેજ આ પહેલા 1 જૂને આયોજિત થનારા આંતરરાષ્ટ્રીય 'બિગ કેટ એલાયન્સ' (આઈબીસીએ) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા, પરંતુ સંમેલન સ્થગિત થવાને કારણે તેમની યાત્રાનો કાર્યક્રમ ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યો. હવે તેઓ 3 થી 7 જૂન સુધી ભારતની કાર્યકારી યાત્રા પર આવશે.

જયસ્વાલે કહ્યું કે, કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગેજ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે. પ્રતિનિધિમંડળમાં વેનેઝુએલાના વિદેશ મંત્રી, અર્થતંત્ર અને નાણા મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, સંચાર અને સૂચના મંત્રી તથા પરિવહન મંત્રી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ હશે. યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.

તેમણે કહ્યું કે, ડેલ્સી રોડ્રિગેજનો ભારત સાથે લાંબા સમયથી સંપર્ક રહ્યો છે અને તેઓ વિવિધ ભૂમિકાઓમાં ઘણી વખત ભારત આવી ચૂક્યા છે. વર્ષ 2015માં તેઓ વેનેઝુએલાના વિદેશ મંત્રી તરીકે ભારત આવ્યા હતા. ત્યારબાદ 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પ્રથમ અને કુલ મળીને ભારતની છઠ્ઠી યાત્રા હશે.

જયસ્વાલે નેપાળના વડાપ્રધાન દ્વારા ભારતની ભૂમિના કબજા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ભારતે નેપાળના વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીઓ અને નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનનું સંજ્ઞાન લીધું છે. ભારત-નેપાળ સરહદનો લગભગ 98 ટકા હિસ્સો પહેલાથી જ ચિહ્નિત કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક ભાગોમાં સીમાંકન સંબંધિત મુદ્દાઓ હજુ પણ બાકી છે. ગંડક નદીના પ્રવાહમાં સમયાંતરે થયેલા ફેરફારોને કારણે કેટલાક વિસ્તારોમાં સરહદ સંબંધિત જટિલતાઓ ઊભી થઈ છે. આ ઉપરાંત, કેટલાક ચિહ્નિત વિસ્તારોમાં સરહદ પાર અતિક્રમણ તથા નો-મેન્સ લેન્ડ પર અતિક્રમણના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેનું બંને દેશો દ્વારા સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સરહદ સંબંધિત તમામ મુદ્દાઓના સમાધાન માટે ભારત અને નેપાળ વચ્ચે સ્થાપિત દ્વિપક્ષીય તંત્ર સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)ના અધ્યક્ષ રવિ લામિછાનેની ભારત યાત્રા વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જયસ્વાલે કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચે બહુઆયામી અને વ્યાપક ભાગીદારી છે. આ જ સંદર્ભમાં આરએસપી અધ્યક્ષ ભારત આવ્યા છે અને પોતાની યાત્રા દરમિયાન અહીં વિવિધ ઉચ્ચસ્તરીય બેઠકોમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને જન-જનના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે તથા વિવિધ સ્તરો પર સંવાદ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande