(અપડેટ) વડોદરાના 'કાકા'ના હુલામણા નામે જાણીતા 8 ટર્મના એમએલએ યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ નિધન, ગુજરાત રાજકારણનો એક યુગ આથમ્યો
વડોદરા,02 જૂન (હિ.સ.) વડોદરા શહેરમાં કાકા હુલામણા નામે જાણીતા માંજલપુરના ભાજપ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં નિધન, તેઓ વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા હતા. નેતા યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ ખાનગી હોસ્પિટલમાં નિધન થતાં
MLA Yogesh Patel


વડોદરા,02 જૂન (હિ.સ.) વડોદરા શહેરમાં કાકા હુલામણા નામે જાણીતા માંજલપુરના ભાજપ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં નિધન, તેઓ વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા હતા.

નેતા યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ ખાનગી હોસ્પિટલમાં નિધન થતાં સમગ્ર રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાત વિધાનસભામાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો અભૂતપૂર્વ રેકોર્ડ ધરાવતા યોગેશ પટેલે શરૂઆતમાં રાવપુરા અને ત્યારબાદ માંજલપુર બેઠક પરથી જંગી મતોની સરસાઈથી જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો.

યોગેશ પટેલે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.

યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. જેથી તેઓને લોકો કાકાના હુલામણા નામે પણ લોકો ઓળખતા હતા.

યોગેશ પટેલ વડોદરા અને ગુજરાતના રાજકારણમાં એક કદાવર, નિડર અને આદરણીય જનપ્રતિનિધિ તરીકે જાણીતા હતા, જેમણે વિજય રૂપાણીની સરકારમાં નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી મધ્ય ગુજરાતના વિકાસને વેગ આપ્યો હતો.

જનતાના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા આ નેતા વડોદરાની પાયાની સુવિધાઓ અને વહીવટી શિથિલતા સામે પોતાની જ સરકારમાં રજૂઆતો કરવા માટે જાણીતા હતા. રાજકારણ ઉપરાંત, વડોદરાના સાંસ્કૃતિક ઉત્સવો અને 'શિવજી કી સવારી' જેવા આયોજનોમાં સક્રિય ભૂમિકા ભજવનાર 8 ટર્મના આ ધારાસભ્યના નિધનના પગલે સમગ્ર રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

યોગેશ પટેલના નિધનના સમાચાર મળતા જ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના દંડક બાલુ શુક્લ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ સ્ટર્લિંગ હોસ્ટિલ ખાતે દોડી આવ્યા હતા.

પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માત્ર વડોદરા શહેર માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોકપ્રતિનિધિ અને પ્રહરી... માત્ર વડોદરાએ જ નહીં પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે, આમ સમાજે ગુમાવ્યા છે. મેં એમની સાથે પાંચ-પાંચ વિધાનસભામાં કામ કર્યું છે અને એમનું હંમેશા…બહાર કોઈ એક્ટિવ હોય પરંતુ વિધાનસભામાં એક્ટિવ ના હોય, વિધાનસભામાં એક્ટિવ હોય તો બહાર એક્ટિવ ના હોય; પણ યોગેશભાઈ તો વિધાનસભામાં પણ એક્ટિવ અને બહાર એમના ક્ષેત્રમાં પણ એક્ટિવ! પાર્ટીના કામમાં એમનું મોટું યોગદાન રહ્યું, વડોદરાના વિકાસમાં પણ એમનું મોટું યોગદાન રહ્યું. એવા મારા પરમ મિત્ર, સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક મોટો આઘાત લાગ્યો છે, મોટી ખોટ પડી છે. હું ભારતીય જનતા પાર્ટી વતી, મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન યોગેશભાઈના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણે વખત તેમનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. ત્યારે વી.પી. સિંહ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. એ પાર્ટીમાં જોડાયા હતા.

1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા.

ભાજપના નેતા મેનકા ગાંધી અને યોગેશ પટેલ વચ્ચે ભાઈ-બહેન જેવો સંબંધ આજીવન રહ્યો હતો.

મેનકા ગાંધી ભાઈ માનતા.

પૂર્વે સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો હતો. એ સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યા ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે એવું સ્વાગત આજદિન સુધી કોઈ નેતાનું થયું નથી. મેનકા ગાંધીનાં દુઃખના સમયે ઊભા રહેલા યોગેશ પટેલને મેનકા ગાંધી ભાઈ માનતા હતા. રક્ષાબંધનમાં રાખડી મોકલે છે. તો મેનકા ગાંધી પણ યોગેશ પટેલની જરૂર પડે ત્યારે પડખે ઊભાં રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande