સારોલી-કુંભારીયાની OYO હોટલમાં ભીષણ આગ, કાચ તોડી 3 લોકોનું રોમાંચક રેસ્ક્યુ
સુરત, 02 જૂન (હિ.સ.)-સારોલી-કુંભારીયા રોડ પર આવેલી OYO હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સારોલી ગામ સ્થિત સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી હોટલના એક રૂમમાંથી આગ ફાટી નીકળતાં ધુમાડો સમગ્ર હોટલમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિ
OYO હોટલમાં ભીષણ આગ


સુરત, 02 જૂન (હિ.સ.)-સારોલી-કુંભારીયા રોડ પર આવેલી OYO હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સારોલી ગામ સ્થિત સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી હોટલના એક રૂમમાંથી આગ ફાટી નીકળતાં ધુમાડો સમગ્ર હોટલમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

માહિતી મુજબ હોટલના રૂમ નંબર 104માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હોટલમાં યોગ્ય વેન્ટિલેશનની સુવિધા ન હોવાથી ગાઢ ધુમાડો સમગ્ર પેસેજ અને અન્ય રૂમોમાં ફેલાઈ ગયો હતો. રૂમમાં રહેલા ગાદલા, ફર્નિચર અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની ઘટનાના સમયે હોટલના વિવિધ રૂમોમાં ગ્રાહકો રોકાયેલા હતા. ગાઢ ધુમાડાના કારણે ત્રણ લોકો અંદર ફસાઈ જતા બચાવ માટે બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સારોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે કોમ્પ્લેક્સ આસપાસ ભીડને દૂર રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ચોથા માળે આગ લાગવાના કારણે ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. શહેરના ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી 8થી વધુ ફાયર ટેન્ડર તેમજ 3 ટર્ન ટેબલ લેડર (હાઈડ્રોલિક ક્રેન) ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર જવાનોએ હોટલના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડે ચારેય તરફથી પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગમાં રૂમનું વાયરિંગ, એસી, ગાદલા, ફર્નિચર સહિતનો મોટો સામાન બળીને ખાક થઈ ગયો હતો.

સદનસીબે, ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande