
મહેસાણા, 02 જૂન (હિ.સ.)મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી હાથ ધરી કુલ ₹8,44,451 કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) તથા મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
બી-ડીવીઝન પોલીસ દ્વારા NCCRP પોર્ટલ પર કરવામાં આવેલી અરજીઓના આધારે સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોના બેંક ખાતામાં ₹3,63,438ની રિફન્ડ રકમ જમા કરાવવામાં આવી હતી. ઉપરાંત CIER પોર્ટલ પર નોંધાયેલી અરજીઓની તપાસ કરીને 13 ગુમ થયેલા એન્ડ્રોઇડ અને એપલ મોબાઇલ ફોન, જેની કુલ કિંમત ₹3,01,013 થાય છે, તે શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગુમ થયેલ વાહન અને લેપટોપ સહિત ₹1,80,000 કિંમતનો અન્ય મુદ્દામાલ પણ શોધી કાઢવામાં આવ્યો હતો. આમ કુલ ₹8,44,451નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ અને સાયબર આઈટી એક્સપર્ટની ટીમે ખંતપૂર્વક તપાસ કરીને આ સફળ કામગીરી પાર પાડી હતી. પોલીસની આ કામગીરીને નાગરિકોમાંથી પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR