
મહેસાણા, 02 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના ખેત બચાવો અભિયાન તેમજ સંકલિત અને સમતોલ ખાતર વ્યવસ્થાપન અંતર્ગત રાજ્યવ્યાપી ખાસ જાગૃતિ અભિયાનના ભાગરૂપે મહેસાણા તાલુકાના દિવાનપુરા ગામે ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
તાલીમ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતરોનો સમતોલ ઉપયોગ કરવા તેમજ જમીન પરીક્ષણના આધારે ખાતર વ્યવસ્થાપન અપનાવવા અંગે માહિતી આપવામાં આવી હતી. વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ગુણવત્તા પર થતી અસર અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સજીવ ખાતર, લીલું ખાતર, જૈવિક વિકલ્પો તેમજ પાકને જરૂરી પોષક તત્ત્વો યોગ્ય માત્રામાં આપવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને ઉત્પાદન અને આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેત બચાવો અભિયાનનો મુખ્ય હેતુ જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને સંતુલિત ખાતર વ્યવસ્થાપન દ્વારા વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR