મહેસાણામાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસે જતાં યુવકને બોલેરો પીકઅપની ટક્કર, ગંભીર ઇજા
મહેસાણા, 02 જૂન (હિ.સ.)મહેસાણા શહેરના સાઈબાબા મંદિર પાસે આવેલા જહું માતાજી મંદિર સામેના રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત સર્જી બોલેરો પીકઅપ ડાલાનો ચાલક વાહન સાથે ફરાર થઈ જતા મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુન
મહેસાણામાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસે જતાં યુવકને બોલેરો પીકઅપની ટક્કર, ગંભીર ઇજા


મહેસાણા, 02 જૂન (હિ.સ.)મહેસાણા શહેરના સાઈબાબા મંદિર પાસે આવેલા જહું માતાજી મંદિર સામેના રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત સર્જી બોલેરો પીકઅપ ડાલાનો ચાલક વાહન સાથે ફરાર થઈ જતા મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉચરપી રોડ પર આવેલી સંજયનગર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા જતીનકુમાર રતિલાલ પટેલના પુત્ર જય પટેલ શનિવારે સવારે પોતાના પલ્સર બાઈક પર હબ ટાઉન ખાતે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન જહું માતાજી મંદિર સામે બોલેરો પીકઅપ ડાલા નંબર GJ-13-AT-5012ના ચાલકે ગફલતભરી અને પૂરઝડપે વાહન હંકારી જયના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં જય પટેલને માથાના ભાગે ગંભીર હેમરેજ ફેક્ચર થયું છે. ઉપરાંત ચહેરા, જમણી આંખ, ગાલ તથા જમણા હાથની આંગળીઓમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ અર્ધબેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

ફરિયાદીએ અકસ્માતપ્રવણ આ સ્થળે વાહનોની ગતિ નિયંત્રિત કરવા બેરીકેડ ગોઠવવાની માંગ કરી છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande