
મહેસાણા, 02 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના નુગર ગામ નજીક આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં કાર્યરત ‘પાટીદાર રસ સેન્ટર’માં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી અખાદ્ય અને દૂષિત કેરીના રસના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન આશરે ₹1,17,359 કિંમતનો બગડેલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે.જે. પ્રજાપતિ અને તેમની ટીમે બાતમીના આધારે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 2025 કિલોગ્રામ કીડાવાળી અને ફુગ લાગેલી બગડેલી કેરી મળી આવી હતી. ઉપરાંત લગભગ 230 કિલોગ્રામ તૈયાર અખાદ્ય કેરીનો રસ પણ ઝડપાયો હતો.
ફૂડ વિભાગે લોકોને આરોગ્યને નુકસાન પહોંચાડે તેવો આ જથ્થો તાત્કાલિક નાશ કરી દીધો હતો. સાથે જ કેરીના રસના શંકાસ્પદ નમૂનાઓ લઈ વધુ તપાસ અને પૃથ્થક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા બાદ પેઢીના સંચાલક પટેલ પ્રહલાદભાઈ વિરમદાસ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉનાળાની સિઝનમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે તંત્રની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR