
મહેસાણા, 02 જૂન (હિ.સ.)ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, મહેસાણા દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 દરમિયાન લઘુતમ ટેકાના ભાવે બાજરી અને મકાઈની ખરીદી માટે જરૂરી ‘ONCE USED’ શણના બારદાન સપ્લાય કરવા રસ ધરાવતી પાર્ટીઓ, પેઢીઓ અને સંસ્થાઓ પાસેથી સીલબંધ ક્વોટેશન મંગાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલુ, સતલાસણા, વિજાપુર અને વિસનગર ખરીદ કેન્દ્રો માટે 50 કિલો ક્ષમતા ધરાવતા શણના બારદાનની જરૂરિયાત છે. નિગમ દ્વારા પ્રતિ બારદાન મહત્તમ ભાવ મર્યાદા રૂ. 23.94 નક્કી કરવામાં આવી છે, જેમાં તમામ કરવેરા તેમજ ખરીદ કેન્દ્ર સુધી પહોંચાડવાનો ખર્ચ સમાવિષ્ટ રહેશે.
નિગમે સ્પષ્ટ કર્યું છે કે સપ્લાય કરવામાં આવતા બારદાન સારી સ્થિતિમાં હોવા જોઈએ. જો બારદાન સડેલા, ફાટેલા અથવા પાણીથી નુકસાન પામેલા જણાશે તો સંબંધિત સપ્લાયરને તે બદલવા પડશે. આ જોગવાઈ દ્વારા ખરીદી પ્રક્રિયામાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રસ ધરાવતા અરજદારોએ પોતાના ભાવપત્રકો સીલબંધ કવરમાં “ONCE USED શણ બારદાન (50 કિલો) ભાવો” લખીને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, મહેસાણા ખાતે જિલ્લા પુરવઠા મામલતદાર કચેરીમાં નિર્ધારિત સમયમર્યાદા સુધી મોકલવાના રહેશે. નિગમે વધુ વિગતો માટે જાહેર કરાયેલા સંપર્ક નંબર પર માહિતી મેળવવા જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR