
પોરબંદર, 02 જૂન (હિ.સ.) ગુજરાત સરકાર હંમેશા સમાજના છેવાડાના માનવીના ઉત્થાન અને સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ, દુરંદેશી અને સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના આત્મસન્માન, સુરક્ષા અને સ્વાવલંબનને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. આ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ (વિધવા સહાય યોજના) છે, જેના દ્વારા નિરાધાર બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે આર્થિક આધાર મળી રહ્યો છે.
આ કલ્યાણકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. 1,250 ની આર્થિક સહાય ડી.બી.ટી. (Direct Benefit Transfer) મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી સીમિત નથી, પરંતુ જીવનના કપરા સમયમાં બહેનોને સામાજિક અને માનસિક પીઠબળ પૂરું પાડતો રાજ્ય સરકારનો સંવેદનાસભર પ્રયાસ છે.પોરબંદર જિલ્લામાં અંદાજે 25 હજાર જેટલી ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ મેળવી રહી છે. જિલ્લામાં દર મહિને કુલ રૂ. 3 કરોડ 12 લાખથી વધુની સહાય રકમ ડી.બી.ટી. દ્વારા સીધી જ બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રના સક્રિય સહયોગથી છેવાડાના ગામડાઓ સુધી સરળતાથી આ સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા પૂરું પાડે છે.
ગંગા સ્વરૂપા (વિધવા સહાય) યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયની પાત્ર બહેનો પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકે છે. અરજી સાથે ભરેલું ફોર્મ, ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, પતિના અવસાનનો દાખલો, બેંક પાસબુકની નકલ અને આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. ઉપરાંત ઉંમરનો પુરાવો, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર તથા લાગુ પડતું હોય તો બી.પી.એલ. (BPL) સ્કોરનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે. યોજના માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.1,20,000 તથા શહેરી વિસ્તારમાં રૂ.1,50,000 સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર મહિલાઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. ગંગા સ્વરૂપા યોજનાના માધ્યમથી બહેનોના જીવનમાં આર્થિક સ્થિરતા અને નવી આશાનો સંચાર કરીને રાજ્ય સરકારે પ્રજાલક્ષી, પારદર્શક અને સંવેદનશીલ શાસનની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya