

પાટણ, 02 જૂન (હિ.સ.) પાટણના વોર્ડ નં. 7 ખાતે રાજવંશી સોસાયટી પાસેના નાળામાં લાંબા સમયથી ગંદકી જમા થતાં રોગચાળાની ભીતિ ઉભી થઈ હતી. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.
રજૂઆત બાદ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ તથા કોર્પોરેટરો નીતાપટેલ અને નીલમ પટેલે સ્થળ મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી હતી.પદાધિકારીઓએ રહીશો સાથે ચર્ચા કરીને નાળાની ગંદકી દૂર કરવા અને કાયમી ઉકેલ લાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ચોમાસા પહેલાં યોગ્ય આયોજન કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
કોર્પોરેટર નીલમ પટેલે જણાવ્યું હતું કે જીવનધારા રોડ વિસ્તારની સોસાયટીઓના રહીશો પાણી ભરાવા અને રોગચાળાના ભયથી પરેશાન છે. તેથી સ્થળ નિરીક્ષણ કરીને સમસ્યાનો અભ્યાસ કરવામાં આવ્યો છે.બીજી તરફ, ભાજપના આગેવાન સતીશ ઠક્કરે ચીફ ઓફિસરના કથિત ઉદ્ધત વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જીવરાજ પાર્ક પાસેના પમ્પિંગ સ્ટેશનમાંથી ઓવરફ્લો થતું ગંદુ પાણી કેનાલમાં આવતાં ગંદકી ફેલાય છે.
ઠક્કરે જણાવ્યું કે તાત્કાલિક કાર્યવાહી માંગતાં ચીફ ઓફિસરે અસંતોષજનક જવાબ આપ્યો હતો. સ્થાનિકોએ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને અધિકારીઓ વધુ સંવેદનશીલ રીતે વર્તે તેવી માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ