નરોડા પોલીસે નાના ચિલોડામાંથી 14.16 કરોડના MD ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપ્યો
- બિસ્કિટ-ચોકો ફિલ્સના પેકેટમાં છુપાવ્યો હતો જથ્થો અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયા
નરોડા પોલીસે નાના ચિલોડામાંથી 14.16 કરોડના MD ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપ્યો


- બિસ્કિટ-ચોકો ફિલ્સના પેકેટમાં છુપાવ્યો હતો જથ્થો

અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારો સામે પોલીસને સંપૂર્ણ ફ્રી-હેન્ડ આપીને લોખંડી હાથે કામ લેવા જણાવાયું છે.

નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મળી છે.

અમદાવાદ શહેરમાં નરોડા પોલીસે નાના ચિલોડા વિસ્તારમાં ઓપરેશન કરીને 7.084 કિલો મેથામ્ફેટામાઇન એમડી જપ્ત કરી, કિંમત અંદાજે 14.16 કરોડ, સાજીદ શેખ મુંબઈનો આરોપી એનડીપીએસ એક્ટ હેઠળ ઝડપાયો

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સની હેરાફેરી કરવા માટે આરોપીએ અત્યંત શાતિર મગજનો ઉપયોગ કર્યો હતો.

સામાન્ય રીતે સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવે તે માટે મેથામ્ફેટામાઇનના આ જથ્થાને સામાન્ય ખાદ્યપદાર્થોના પેકિંગમાં છુપાવવામાં આવ્યો હતો. આરોપી બિસ્કિટ, ચોકો ફિલ્સ અને અન્ય ખાણીપીણીની જાણીતી બ્રાન્ડ્સના પેકેટોનો ઉપયોગ કરીને ડ્રગ્સનું પરિવહન કરી રહ્યો હતો.

જોકે, પોલીસની સચોટ બાતમી આગળ તેની આ ચાલાકી નિષ્ફળ સાબિત થઈ હતી.

આરોપી મુંબઈનો રહેવાસી

કરોડોના ડ્રગ્સના આ મુદ્દામાલ સાથે, પોલીસે ઘટનાસ્થળેથી એક શખ્સની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાજીદ શેખ હોવાનું સામે આવ્યું છે, જે મૂળ મુંબઈનો રહેવાસી છે. નરોડા પોલીસે આરોપી વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરી બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની કાયદેસરની ધરપકડ કરી છે. જોકે આરોપીની વધુ પૂછપરછમાં મોટા ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande