
અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોવા મળી છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની મરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
દાહોદમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે દિવસ પહેલાં નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ-વાવાઝોડાના કારણે બે લોકોના જીવ ગયાં છે.
અમદાવાદ શહેરમાં 1 જૂનની મોડી રાત્રે 10:00 વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે 02:30 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
સવાર સુધીમાં 15થી વધુ વિસ્તારોમાં વૃક્ષો પડવાની ફરિયાદ.
પશ્ચિમ અમદાવાદમાં અંદાજે 1 ઈંચ સુધીનો વરસાદપશ્ચિમ અમદાવાદના પાલડી, સરખેજ, જુહાપુરા, બોપલ, SG હાઇવે, વાસણા, આશ્રમરોડ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવમાં 0.5થી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ અને રાણીપમાં 0.5 ઇંચ જ્યારે પૂર્વ વિસ્તારના રામોલ, જશોદાનગર અને CTMમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર, નરોડા અને ઓઢવમાં અડધા ઇંચથી ઓછો વરસાદ હતો.
પાટણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા તીવ્ર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રાહદારીઓ ફસાયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તીવ્ર પવનથી લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં લાંબો અંધારપટ છવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ