પાટણમાં ‘વિકસિત ભારત@2047’ અભિયાનને જનઆંદોલન બનાવવા તૈયારીઓ
પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં ‘વિકસિત ભારત@2047’ અને ‘વિકસિત ગુજરાત@2047’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આગામી 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી જનકલ્યાણ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારુ અમલીકરણ માટે જિલ્
પાટણમાં ‘વિકસિત ભારત@2047’ અભિયાનને જનઆંદોલન બનાવવા તૈયારીઓ


પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં ‘વિકસિત ભારત@2047’ અને ‘વિકસિત ગુજરાત@2047’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આગામી 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી જનકલ્યાણ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારુ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટરે ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ સંકલ્પ માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહેતા એક લોકભાગીદારી વાળું જનઆંદોલન બને તે અનિવાર્ય છે. તેમણે તમામ વિભાગોને સંકલિત પ્રયાસો કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને નાગરિકોને આ અભિયાન સાથે જોડવા વ્યાપક લોકસંપર્ક અભિયાન ચલાવવા સૂચના આપી હતી.

આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વૃક્ષારોપણ (“એક પેડ માં કે નામ”), સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, વિવિધ પ્રદર્શનીઓ, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને વિશ્વ યોગ દિવસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમોમાં મહત્તમ જનસહભાગિતા સુનિશ્ચિત કરવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં અસરકારક પ્રચાર-પ્રસાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમોના સમયસર અને ગુણવત્તાસભર અમલીકરણ માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરે નોડલ અધિકારીઓને નિયમિત સમીક્ષા અને સતત મોનિટરિંગ કરીને કામગીરીના અહેવાલો રજૂ કરવા આદેશ આપ્યા હતા, જેથી યોજનાના લક્ષ્યાંકો પરિણામલક્ષી રીતે સિદ્ધ થઈ શકે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ અને જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને લોકભાગીદારીને કેન્દ્રમાં રાખીને સર્વાંગી પ્રયાસો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande