
બોટાદ,02 જૂન (હિ.સ.)ઉનાળાની ઋતુમાં વધતી ગરમી વચ્ચે શરીરને ઠંડક આપતા અને પાચનતંત્રને સ્વસ્થ રાખતા ખાદ્ય પદાર્થોમાં દહીંનું વિશેષ સ્થાન છે. ભારતીય ભોજનનો અભિન્ન ભાગ ગણાતું દહીં માત્ર સ્વાદ અને તાજગી પૂરતું જ નહીં, પરંતુ મેદસ્વિતા (ઓબેસિટી) નિયંત્રણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દહીંને ‘નેચરલ સુપરફૂડ’ તરીકે ઓળખવામાં આવે છે. દૂધના ફર્મેન્ટેશનથી તૈયાર થતું દહીં લેક્ટોબેસિલસ જેવા પ્રોબાયોટિક બેક્ટેરિયાથી સમૃદ્ધ હોય છે, જે આંતરડાના આરોગ્યને મજબૂત બનાવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા અગત્યના પોષકતત્વો મળી રહે છે, જે શરીરના સર્વાંગી આરોગ્ય માટે લાભદાયી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ પ્રોટીનયુક્ત દહીં લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી આપે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી અને વધારાની કેલરી લેવાનું ટળી જાય છે. આ સાથે દહીં શરીરના મેટાબોલિઝમને સક્રિય રાખવામાં મદદરૂપ બની વજન નિયંત્રણની પ્રક્રિયાને વેગ આપે છે.
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનક્રિયાને સુધારે છે, આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે અને બ્લોટિંગ તથા ઇન્ફ્લેમેશન જેવી સમસ્યાઓ ઘટાડે છે. આ પરિબળો મેદસ્વિતા અને તેના કારણે સર્જાતી અન્ય આરોગ્ય સમસ્યાઓના જોખમને ઘટાડવામાં સહાયક બને છે.
વૈજ્ઞાનિક અભ્યાસોમાં પણ નોંધાયું છે કે નિયમિત દહીંનું સેવન કરનારા લોકોમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) અને શરીરની ચરબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસો મુજબ અઠવાડિયામાં નિયમિત દહીંનું સેવન કરવાથી વજન વધવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
ઉનાળામાં શરીરમાં પાણીનું સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. દહીં શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે ગરમીથી થતી અપચો, થાક અને પાચન સંબંધિત તકલીફોમાં પણ રાહત આપે છે. ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ હોવાથી ઉનાળામાં થતી વિવિધ ચેપજન્ય સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડે છે.
આથી, ઉનાળાની ઋતુમાં સંતુલિત આહાર સાથે, દહીંનો નિયમિત સમાવેશ કરીને શરીરને ઠંડક, સારો પાચન અને વજન નિયંત્રણ જેવા અનેક આરોગ્યલાભ મેળવી શકાય છે. દહીંને રોજિંદા ભોજનનો ભાગ બનાવી મેદસ્વિતા સામે અસરકારક પગલું ભરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA