
સુરત, 02 જૂન (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે નેશનલ હાઈવે પર મંગળવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બે બસો સામસામે ધડાકાભેર અથડાતાં એક બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 મુસાફરોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત અને તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવા પ્રયાસ કર્યો હતો. જોકે, બસ પરનો કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગયું હતું.
રોંગ સાઇડમાં ઘૂસી ગયેલી બસ (MH-18-BZ-1258) સામે આવી રહેલી બીજી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ (MH-20-BL-3390) સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે એક બસ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક CNG સંચાલિત હોવાથી ટક્કર બાદ તેમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. થોડી જ વારમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે