
કોલંબો, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) શ્રીલંકા પ્રીમિયર લીગ (એલપીએલ) 2026માં મોટો બદલાવ જોવા મળશે. આગામી સત્રમાં પહેલીવાર ઇમ્પેક્ટ સબસ્ટિટ્યૂટ નિયમ લાગુ કરવામાં આવશે. આ સાથે જ દરેક ટીમ માટે પ્લેઇંગ ઇલેવનમાં ઓછામાં ઓછા એક અંડર-23 ખેલાડીને સામેલ કરવો ફરજિયાત રહેશે. ખાસ વાત એ છે કે, ઇમ્પેક્ટ સબના ઉપયોગ પછી પણ ટીમમાં અંડર-23 ખેલાડીનું હોવું જરૂરી રહેશે.
સોમવારે કોલંબોમાં આયોજિત એલપીએલ 2026 ડ્રાફ્ટ દરમિયાન આ નવા નિયમોની જાણકારી આપવામાં આવી. આ બદલાવોને કારણે તમામ ૫ ફ્રેન્ચાઇઝીઓને પોતાની ટીમોની પસંદગી ખૂબ જ વ્યૂહાત્મક રીતે કરવી પડી.
અંડર-23 ખેલાડીઓની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે ફ્રેન્ચાઇઝીઓ સામે ટીમ સંયોજનનો પડકાર રહ્યો. ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ જુલાઈમાં ભારત સામે થનારી અંડર-19 શ્રેણીને કારણે ટુર્નામેન્ટમાં ઉપલબ્ધ રહેશે નહીં.
નિસાંકા અને પથિરાના ઇજાગ્રસ્ત
ડ્રાફ્ટ દરમિયાન એ પણ ખુલાસો થયો કે, પથુમ નિસાંકા અને મથીશા પથિરાના ઇજાથી ઝઝૂમી રહ્યા છે. નિસાંકાને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેમના કાર્યભારને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, તેઓ ભારતના શ્રીલંકા પ્રવાસ પહેલા સંપૂર્ણપણે ફિટ થવા માટે સર્જરી પણ કરાવી શકે છે.
ચાર ટીમોના નામ અને નવા માલિક બદલાયા
એલપીએલ 2026માં ચાર ફ્રેન્ચાઇઝીઓએ નવા માલિકો અને કોચિંગ સ્ટાફ સાથે નવા નામ પણ અપનાવ્યા છે. જે નીચે મુજબ છે...
જાફના → એસસી જાફના કિંગ્સ
ગૉલ → ગૉલ ગ્લેડિએટર્સ
કેન્ડી → કેન્ડી રોયલ્સ
કોલંબો → કોલંબો કેપ્સ
ફક્ત દામ્બુલા સિક્સર્સનું નામ અને ઓળખ યથાવત રહી.
ડ્રાફ્ટમાં આ ખેલાડીઓ પર નજર રહી
ડ્રાફ્ટમાં ભારતીય ક્રિકેટર વિજય શંકર, ઉભરતા ફાસ્ટ બોલર ઇશાન મલિંગા, પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન સાહિબઝાદા ફરહાન, અનુભવી એન્જેલો મેથ્યુઝ અને દિનેશ ચાંદીમલ જેવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન રહ્યું.
આ ઉપરાંત, અવિષ્કા ફર્નાન્ડો અને ચરિથ અસલંકા પહેલા રાઉન્ડના મુખ્ય પસંદગી રહ્યા, જ્યારે વિદેશી ખેલાડીઓમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ અને મોહમ્મદ નવાઝ સૌથી ચર્ચિત નામ રહ્યા.
મુખ્ય પ્રી-સાઇનિંગ ખેલાડીઓ
એસસી જાફના કિંગ્સ: તસ્કીન અહેમદ, દુનિથ વેલ્લાલાગે, શાકિબ અલ હસન, ભાનુકા રાજપક્ષે
ગૉલ ગ્લેડિએટર્સ: લિટન દાસ, ઇશાન મલિંગા, રાસી વાન ડેર ડુસેન, દાસુન શનાકા
કેન્ડી રોયલ્સ: વિજય શંકર, એન્જેલો મેથ્યુઝ, મોઈન અલી, વાનિંદુ હસરંગા
કોલંબો કેપ્સ: બેન મેકડર્મોટ, કમિન્દુ મેન્ડિસ, જિમી નીશમ, કુસલ મેન્ડિસ
દામ્બુલા સિક્સર્સ: રીઝા હેન્ડ્રિક્સ, દિનેશ ચાંદીમલ, સાહિબઝાદા ફરહાન, દુષ્મંથા ચમીરા
એલપીએલ 2026માં નવા નિયમો અને બદલાયેલા ટીમ માળખા સાથે ટુર્નામેન્ટ વધુ સ્પર્ધાત્મક બનવાની અપેક્ષા છે. ઇમ્પેક્ટ સબ અને અંડર-23 નિયમથી યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળવાની સાથે-સાથે ટીમોની વ્યૂહરચનામાં પણ નવો આયામ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ