પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે વાવાઝોડું, ઘરો અને પાકને નુકસાન
પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે રાધનપુર પંથકમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. પ્રથમ વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે બાદરપુરા ગામમાં 15થી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે વ
પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે વાવાઝોડું, ઘરો અને પાકને  નુકસાન


પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે રાધનપુર પંથકમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. પ્રથમ વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે બાદરપુરા ગામમાં 15થી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

ભારે પવનના કારણે વીજ વાયરો તૂટી પડતાં સમગ્ર ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાના કલાકો બાદ પણ તંત્રના અધિકારીઓ સ્થળ પર ન પહોંચતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

જિલ્લામાં રાધનપુરમાં 25 મિ.મી., ચાણસ્મામાં 17 મિ.મી., શંખેશ્વરમાં 11 મિ.મી., પાટણ અને હારીજમાં 8-8 મિ.મી. તેમજ સાંતલપુરમાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદથી લાંબા સમયથી ચાલી રહેલી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

મોડી રાત્રે ગાજવીજ અને ધૂળભરી આંધી બાદ વરસાદ શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે તીવ્ર પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. ખેડૂતોની લણેલી અને ખુલ્લામાં રાખેલી બાજરી પલળી ગઈ હતી. હાલમાં ખેડૂતો બાજરીને ખુલ્લી કરી સુકાવવાની કામગીરી કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande